હરિયાણામાં ભૂસ્ખલન થતાં ૧૫ વાહનો દટાયા, ૪નાં મોત

105

હરિયાણામાં નવા વર્ષના પહેલા દિવસે કૂદરતી આફત : કાટમાળ નીચે ૧૫થી ૨૦ લોકો દટાયા હોવાનો અંદાજ
ભિવાની, તા.૧
વૈષ્ણોદેવીના દરબારમાં નાસભાગ બાદ ૧૨ લોકોના મોતનો મામલો શાંત નથી થયો કે નવા વર્ષે વધુ એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હરિયાણાના ભિવાનીમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ત્યાંથી પસાર થતા અનેક વાહનો પહાડના કાટમાળ નીચે દટાયા હતા. બચાવ કામગીરી દરમિયાન ચાર મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્યને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
આ અકસ્માત નવા વર્ષના દિવસે થયો હતો. પહાડી માર્ગ પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પહાડ તૂટી પડ્યો. આ કાટમાળ લગભગ દસથી ૧૫ વાહનો પર પડ્યો અને તમામ વાહનો દટાઈ ગયા. કાટમાળ પડવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. સ્થાનિકો દ્વારા પોલીસ અને વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું. થોડી જ વારમાં ચાર વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. કાટમાળ નીચે ૧૫થી ૨૦ લોકો દટાયા હોવાનો અંદાજ છે. સમગ્ર ઘટના મામલે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે, ભિવાનીમાં દાદમ ખાણ વિસ્તારમાં કમનસીબ ભૂસ્ખલન દુર્ઘટનાથી દુઃખી. હું ઝડપી બચાવ કામગીરી અને ઘાયલોને તાત્કાલિક સહાય સુનિશ્ચિત કરવા સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું. હરિયાણાના મંત્રી જે.પી. દલાલે કહ્યું કે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે, અત્યાર સુધીમાં ત્રણ લોકો હોસ્પિટલમાં ગયા છે. કેટલાય લોકો દટાયાની આશંકા છે. વહીવટીતંત્રને ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હાલ રાહત કાર્ય ચાલી રહ્યું છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૭૭૫ નવા કેસ નોંધાયા
Next articleવૈષ્ણો દેવીના મંદિરમાં નાસભાગ થતાં ૧૨ વ્યક્તિનાં મોત થયા