પાલીતાણા ખાતે લવજેહાદનો ભોગ બનેલી પીડિતાના પરિવારજનોની મુલાકાત લેતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

188

બંને પરિવારોએ આ કેસમાં ભાવનગર પોલીસે લીધેલાં પગલાં માટે આભાર પ્રગટ કર્યો છે : નામ બદલીને રાજ્યની ભોળીભાલી દીકરીઓને ફસાવનારા આવારા તત્વો વિશે જાણકારી આપવા માટે જાહેર જનતાને અનુરોધ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમની પાલિતાણાની મુલાકાત દરમિયાન એક માસ પૂર્વે વિધર્મી યુવાનો દ્વારા હિન્દુ ધર્મની બે દીકરીઓને ભગાડી જવાનો જે બનાવ બન્યો હતો તે સંદર્ભમાં બંને દીકરીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી.આ મુલાકાત બાદ તેમણે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, ફરેબ દ્વારા લગ્નની લાલચ આપીને આવાં આવારા યુવકો દ્વારા રાજ્યની ભોળી દીકરીઓને ફસાવવાના પ્રયત્નોને કોઈપણ કાળે ચલાવી લેવાશે નહીં. તેમણે કહ્યું કે, બંને દીકરીના પરિવારની પરિસ્થિતિ અને ખાસ કરીને બંનેના પિતાની આંખોમાં જે એક પ્રકારનો ગમ હતો તે ઘણું બધું કહી જાય છે.

આ બંને દીકરીઓને ભોળપણમાં ફસાવી ષડયંત્ર દ્વારા લગ્નની લાલચ આપીને તેમની સાથે જે ઘટના ઘટી છે તે સંદર્ભમાં તેઓના પરિવાર સાથે ચર્ચા કરી છે. બંનેના પરિવારજનોએ ભાવનગર પોલીસે કરેલી કામગીરી માટે આભારની લાગણી પ્રગટ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, પાલીતાણાના અનેક લોકોનો ફોન આવતો હતો અને આ પરિસ્થિતિ પર તાત્કાલિક પગલાં લેવાય તેવી તેઓની ઈચ્છા હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભાવનગર પોલીસ દ્વારા બન્ને કેસમાં ઊંડાઈપૂર્વક જઈને તપાસ કરીને એફ.આર.આઇ. દાખલ કરવામાં આવી છે.અનેક લોકોને પકડ્યા છે અને આવનારા દિવસોમાં હજી પણ ઘણાં લોકોની ધરપકડ થશે. રાજ્યમાં આ પ્રકારના કામ કરનાર યુવાનોને આ પ્રકારના ષડયંત્રોમાંથી બહાર રહેવાની ચેતવણી આપતાં તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસના ધ્યાનમાં આવો કોઈપણ કેસ આવશે તો તેમાં કોઇપણ પ્રકારની છૂટછાટ આપ્યાં સિવાય કડક હાથે કામ લેવામાં આવશે.
જો કોઈ તત્વો નામ બદલીને ભોળી દીકરીઓને ફસાવવાનો પ્રયત્ન કરતાં હોય તો તે અંગેની જાણકારી જાહેર જનતા અમારા સુધી પહોંચાડે. લવજેહાદના કિસ્સામાં રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક કડાકાઈ સાથે પગલાં લેશે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ મુલાકાત વેળાએ રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠૌર તથા અસરગ્રસ્ત દીકરીના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કરતાં રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ
Next articleશિવાજી સર્કલ ખાતે આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટની મુલાકાત લઇ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં સંઘવી