કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ ચિંતાની વાત નથી, તમામે જવાબદારીપૂર્વક વર્તન કરવાની જરૂર છે : કેજરીવાલ
નવી દિલ્હી, તા.૨
નવી દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં કોરોના કેસ વધી રહ્યા છે. નવા વર્ષમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના જ દિવસની વાત કરીએ તો, આજે ૩૧૦૦ કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સરકારની તૈયારીઓ વિષે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, કોરોનાના કેસ વધી રહ્યા છે પરંતુ ચિંતા અને ગભરાવવાની કોઈ વાત નથી. તમામ લોકો જવાબદારીપૂર્વક વર્તન કરવાની જરૂર છે. સરકાર પાસે વર્તમાન સમયમાં ૩૭,૦૦૦ ઓક્સિજન બેડ ખાલી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૨૯મી ડિસેમ્બરના રોજ ૯૨૩ કેસ સામે આવ્યા હતા, ૩૦મી ડિસેમ્બરના રોજ ૧૩૧૩ કેસ થયા અને ૩૧મી ડિસેમ્બરના રોજ ૧૭૯૬ કેસ નોંધાયા હતા. આજે ૨જી જાન્યુઆરીના રોજ આ આંકડો ત્રણ હજારને પાર કરી ગયો છે. આ આંકડા ખરેખર ચિંતાજનક છે. અત્યારે દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા ૬૩૬૦ છે, જે ૩ દિવસ પહેલા ૨૧૯૧ હતી. દિલ્હીમાં ત્રણ ગણા કેસ વધી ગયા છે. મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે, કોરોના સંક્રમિત લોકોએ હોસ્પિટલ જવાની જરૂર નથી પડી રહી. મોટાભાગના કેસમાં લક્ષણ નથી હોતા અથવા તો સામાન્ય લક્ષણો હોય છે. વર્તમાન સમયમાં ૮૨ ઓક્સિજન બેડ ભરાયેલા છે. મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની પણ જરૂર નથી પડી રહી. અરવિંદ કેજરીવાલે સરકારની તૈયારીઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, આજે સરકાર ૩૭,૦૦૦ બેડ તૈયાર કરાવી ચૂકી છે. જેનો અર્થ એ છે કે દિલ્હીમાં ૯૯.૭૮ ટકા ઓક્સિજન બેડ ખાલી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલ મહિનામાં લગભગ ૧૧૦૦ ઓક્સિજન બેડ ઓક્યુપાઈડ હતા અને ૧૪૫ દર્દીઓ વેન્ટિલેટર પર હતા. આજે ૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એકવાર લોકોને આગ્રહ કર્યો કે કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. માત્ર નિયમોનું પાલન કરવાની જરૂર છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ પાલન કરવામાં આવે અને માસ્ક હંમેશા પહેરીને રાખે.