ભાવ.ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકિલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહય રાખ્યો
બે વર્ષ પુર્વે શિહોર ખાતે આવેલ સર્વોત્તમ ડેરીના સુપરવાઇઝરની નજેવી બાબતે છરીના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી સામેનો કેસ આજરોજ ભાવનગરની ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા અદાલતે હત્યાનો ગુનો સાબિત માની આરોપીને આજીવન કેદની સજ્જ અને રોકડા રૂા.50 હજારનો દંડ ફટકાર્યો હતો. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી ભોપાભાઇ ઉર્ફે ભાવેશભાઇ બુધાભાઇ કસોટીયા ઉ.વ.26 રહે. શામપરા ખોડીયાર એ પોતાની પીકઅપ વાન જીજે.04.એ.ડબલ્યુ.2475 ગાડી સર્વોત્તમ ડેરીમાં દૂધ લેવા જતો હતો ત્યારે આશરે પાંચ-છ દિવસ પહેલા આરોપીએ ભુડાબોલી ગાળો આપી ઝઘડો કરેલ હતો જેથી આ કામના આરોપીની પીકઅપ ગાડી બંધ કરી દીધેલ હોય જેની દાઝ રાખી ગઇ તા.19/3/2020 ના રોજ નોકરી પુરી કરી ને જતા હતા તે વેળાએ આ કામના ફરીયાદી જયેશભાઇ ગીરાશંકરભાઇ જાની ઉ.વ.26, રહે. દિહોર ગામ તા. તળાજા, મરણજનાર ભાવેશભાઇ બાલાશંકરભાઇ જોષી બંન્ને મિત્ર પોત પોતાની મો.સા.લઇને બહાર નિકળેલ હતા ત્યારે ફરિયાદી એસ આર. પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવા જતા મરણ જનાર એસ.આર.પેટ્રોલ પંપ સામે મો.સા. ઉપર બેઠેલ હોય ત્યારે આ કામનો આરોપી રોડ ક્રોસ કરીને ચાલતા ચાલતા આવીને ભાવેશભાઇ બાલાશંકરભાઇ જોષી ઉપર છરી વડે છાતીના ભાગે ત્રણ ઘા તથા પેટના ભાગે એક થા તથા ડાબા હાથના અંગુઠા ઉપર એક ઘા તથા જમણા હાથની કોણી ઉપર એક ધા તથા જમણા ખંભાના પાછળના ભાગે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતે ભાવેશભાઇ બાલાશંકર જોષીને હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસી ને તેમને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે જે તે સમયે જગદીશભાઇ જાનીએ શિહોર પોલીસ મથકમાં આરોપી ભોપાભાઇ કસોટીયાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઇપીકો કલમ 302, જીપીએટ 135 મુજબનો ગુનો નોંધીયો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ વિપુલભાઇ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-13, દસ્તાવેજ પુરાવા-31 વગેરે ધ્યાને રાખી અદાલતે આરોપી ભોપાભાઇ બુધાભાઇ કસોટીયા સામે ઇપીકો કલમ 302 મુજબના શીક્ષાપાત્ર ગુનામાં કસુરવાર કરાવી આજીવન સખ્ત કેદની સજા અને રોકડા રૂા.50 હજારનો દંડ જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસ કેદની સજા તથા જીપીએક્ટ 135 મુજબના ગુનામાં આરોપીને 3 માસની સજા અને રોકડા રૂા.100 નો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ 4 દિવસની સજા તેમજ દંડની રકમ પૈકી રૂા.50 હજાર ગુજરનાર ભાવેશભાઇના પત્નિ જુલીબેન ભાવેશભાઇ જોષી ને અપીલ પીરીયડ પૂર્ણ થયા બાદ વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો. આરોપી આજરોજ અદાલતમાં હાજર ન હોય અદાલતે વિડીયો કોન્ફરન્સથી ઓનલાઇન ચુકાદો સંભળાવ્યો હતો.