રવિ સિઝનના વાવેતરને ગંભીર ફટકો પડવાની શક્યતા પ્રબળ બની
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં ફરી એકવાર માવઠાનુ સંકટ તોળાઈ રહ્યું છે. ગત તા. 5ને બુધવારે જ ડહોળાયેલા વાતાવરણની સ્પષ્ટ અસરો જોવા મળી હતી. દરમ્યાન આજે ગુરૂવારે સવારથી જ અવકાશ વાદળ આચ્છાદિત બન્યું છે. ઉપરાંત પવનની ઝડપ ઘટતા ઠંડીનું પ્રમાણ નહિવત થઈ જવા પામ્યું છે અને માવઠું થાય એવાં સંજોગો પ્રબળ બન્યાં છે. ભાવનગર શહેર-જિલ્લામાં એક સપ્તાહ બાદ ફરી એકવાર વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આજથી એક સપ્તાહ પૂર્વે પણ હવામાન વિભાગે કમૌસમી માવઠું થવાની શક્યતા દર્શાવી હતી. પરંતુ એ સમયે બે દિવસ વાદળછાયા વાતાવરણ બાદ વાદળો વિખરાઈ જતાં વાતાવરણ સ્વચ્છ બન્યું હતું અને પૂર્વોત્તર દિશામાંથી સતત ફૂંકાઈ રહેલ હિમ પવનોને પગલે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. એક તબ્બક્કે લઘુત્તમ તાપમાન સિંગલ ડિઝિટમાં પહોંચી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી પરંતુ એક સપ્તાહ સુધી લગાતાર ઠાર રહ્યાં બાદ સ્થિતિમાં સુધારો થયો હતો. પરંતુ ગત 1 જાન્યુઆરીએ રાજ્યના હવામાન વિભાગે રાજ્યમાં ફરી એકવાર માવઠું થવાની સંભાવના દર્શાવી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે કમૌસમી વરસાદ થવાની શક્યતાઓ છે. ભાવનગર શહેર-જિલ્લામાં આજરોજ વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. આજે સવારથી જ પૂર્ણરૂપે સૂર્યપ્રકાશને બદલે વાદળોથી આચ્છાદિત આકાશ બન્યું છે, તેમજ પવનની ઝડપ ઘટી રહી છે. ત્યારે છેલ્લા બે માસથી વારંવાર કમૌસમી માવઠાના માહોલને પગલે ખેતી ક્ષેત્રે રવિ સિઝનના વાવેતરને ગંભીર ફટકો પડવાની શક્યતા પ્રબળ બની છે. જો માવઠું થશે તો ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાશે.