નવી દિલ્હી, તા.૬
વિરાટ કોહલી સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક સાથે આઈપીએલ રમનાર તેનો ખાસ મિત્ર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થયો છે. ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના પોઝિટિવ આવતા હવે ખળભળાટ મચ્યો છે. બિગ બેશ લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંક્રમણનો ભોગ બનનાર તે ૧૩મો ખેલાડી છે. અત્રે જણાવવાનું કે વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલ વચ્ચે આઈપીએલ સમયથી ખુબ ગાઢ મિત્રતા છે. ગ્લેન મેક્સવેલના આવવાથી આરસીબીની ટીમ હવે બદલાયેલી જોવા મળે છે અને વેસ્ટઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર બ્રાયન લારાએ આરસીબીમાં ગ્લેન મેક્સવેલને સામેલ કરવાનો શ્રેય કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો છે. બ્રાયન લારાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે એક વાતચીતમાં કહ્યું હતું કે ’ગ્લેન મેક્સવેલ વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦માં ખુબ જ ખરાબ ફોર્મમાં હતો. એવું લાગતું હતું કે તેની આઈપીએલ કરિયર ખતમ થઈ જશે. હું એક વ્યક્તિનું નામ લેવા માંગુ છું અને તે છે વિરાટ કોહલી. શું તમે વિચારી શકો છો કે ગ્લેન મેક્સવેલ માટે વિરાટ કોહલીનો કોલ ગયો કે આવો અને આરસીબીની ટીમ સાથે જોડાઈ જાઓ અને મે વિશ્વાસ છે કે ફક્ત તેના લીધે તેનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધી ગયો.’
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ બુધવારે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં થઈ. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને વર્ષ ૨૦૨૧માં આરસીબીટીમમાં સામેલ કરાયો હતો. જેથી કરીને તેના જેવા વિસ્ફોટક બેટર હોવાથી ટીમને મજબૂતી મળે. ગ્લેન મેક્સવેલ આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. ગ્લેન મેક્સવેલ બિગ બેશ લીગમાં મેલબર્ન સ્ટાર્સનો કેપ્ટન છે. મેક્સવેલે આ વખતે આઈપીએલ સિઝનમાં આરસીબીમાટે ૧૫ મેચોમાં ૧૪૪.૧૦ ની શાનદાર સ્ટ્રાઈક રેટથી ૫૧૩ રન કર્યા હતા. ગ્લેન મેક્સવેલે સોમવારે રેનેગાડેસ વિરુદ્ધ પોતાની ટીમની મેચ બાદ તપાસ કરાવી હતી. ગ્લેન મેક્સવેલે પીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. જેના પરિણામની રાહ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે બીબીએલ (મ્મ્ન્) માં કોરોનાના કેસ સતત આવી રહ્યા છે. રેનેગાડેસ ટીમમાં પણ એક કેસ નોંધાયો છે અને તે પાંચમી ક્લબ છે જેમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. આ અગાઉ કોરોનાના કેસના કારણે બ્રિસબેન હીટ્સે મંગળવારના રોજ સિડની સિક્સર્સ વિરુદ્ધ મેચ રમી નહતી.