ગાંધીનગર,તા.૬
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને કારણે ખેડૂતોને પાકના નુકસાનની ચિંતા સેવાઈ રહી છે. વહેલી સવારે અમદાવાદમાં શહેરમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. અનેક વિસ્તારોમાં મોડી રાતથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. વિવિધ વિસ્તારોમાં મોડી રાતથી હળવો વરસાદ તૂટી પડ્યો છે. શહેરના બોડકદેવ, સોલા, ઈસ્કોન, શિવરંજીની, વસ્ત્રાપુર, મણિનગર, એલિસબ્રિજ, નારોલ, નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર, ખોખરા સહિત વિસ્તારમાં પણ વરસાદ તૂટી પડ્યો છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની સાથે વિઝીબિલિટી પણ ઘટી છે. ધુમ્મસભર્યું વાતાવરણ થતા સામાન્ય ઠંડકમાં પણ વધારો થયો છે. અરવલ્લી જિલ્લામાં ગત રાતથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં કમોસમી હળવું માવઠું પડ્યુ છે. મોડાસા, શામળાજી, ભિલોડા, માલપુર વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો છે. વાતાવરણમાં ધુમ્મસ વધતા વિઝિબિલિટી ઘટી છે. ગત રાતથી જિલ્લા હળવો કમોસમી વરસાદ આવતા માવઠાથી જિલ્લાના બટાકા, ઘઉં, મકાઈ, ચણા, જીરું, વરિયાળીમાં નુકશાનની શક્યતા છે. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી ધૂમમ્સ વાળું વાતાવરણ છવાયુ છે. વિઝીબિલિટી ઓછી થતાં હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. કચ્છ જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતો અને માલધારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગની આગાહી અન્વયે આજે સવારથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. સવારથી જ વાગડથી માંડી લખપત સુધીના વિસ્તારમાં વાતાવરણ ગોરંભાયેલુ જોવા મળી રહ્યું છે. સૂર્ય નારાયનના દર્શન ન થવાથી ઠંડીમાં પણ વધારો નોંધાયો છે. દરમ્યાન સવારથી જિલ્લામાં ઝરમર વરસાદની હાજરી નોંધાઇ છે. નખત્રાણા, ઉખેડા, નલિયા, ભવાનીપુર, હાજીપીર, ટોડીયા, લોરીયા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો છે. ઉખેડા ગ્રામ પંચાયતના સરપંચ તુષારભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે, સવારથી જ પશ્ચિમ કચ્છનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદ પડ્યો છે. જેના કારણે ખેતરમાં પાકને નુક્શાની થવા સાથે માલધારીઓના ઘાસને પણ નુકશાની થઈ છે. ભરશિયાળે કચ્છમાં કમોસમી વરસાદથી ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ૮ જાન્યુઆરી સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમુક વિસ્તારોમાં આગામી ૩ દિવસમાં ભારે ઝાપટા પણ પડવાની શક્યતા છે. વરસાદને કારણે આગામી ૨ થી ૩ દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.