કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ૯૧માં સ્થપના દિવસની ભવ્ય ઉજવણી સંસ્થાનાં ટ્રસ્ટીઓની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થપનાદિન નિમિત્તે યોજાયેલ જુદીજુદી ૭ સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સ્વ.જસવંતરાય મહેતા કાયમી યોજના અંતર્ગત શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે ટાઢાણી દીપ ઉપેન્દ્રભાઈને અર્જુન એવોર્ડ, શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકે દુધાત્રા માનસી પ્રકાશભાઈને હેલનકેલર એવોર્ડ જ્યારે શ્રેષ્ઠ શિક્ષક તરીકે મહેન્દ્રભાઈ જી. પટેલને દ્રૌણાચાર્ય એવોર્ડ અર્પણ કરાયા હતા. જ્યારે વિશ્વ બ્રેઇલ દિવસ ઉજવણીનાં ભાગરૂપે ઝડપી બ્રેઇલ શીખવા માટે ધનગૌરી બ્રેઇલ એવોર્ડ કાવ્ય એમ. સાવલિયા જ્યારે બ્રેઇલ વાંચન માટે વાસંતીબેન ભાસ્કરભાઈ ભટ્ટ બ્રેઇલ વાંચન એવોર્ડ ધવલ મનોજભાઈ ગાજરિયા અને શુદ્ધ બ્રેઇલ લેખન માટે હિંમતભાઈ કાનજીભાઈ રાઠોડ બ્રેઇલ લેખન એવોર્ડ રીઝવી સમીર અબ્બાસ કાઝીમ અબ્બાસ તેમજ ઇલેક્ટ્રિક મોટર રીવાઈન્ડીંગ રામેશ્વર એવોર્ડ જોડ પ્રવીણને એનાયત કરવામાં આવ્યા હતા તેમજ દાતાશ્રી વિક્રમભાઈ મહેતા તરફથી સંસ્થાનાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે લક્કી ડ્રો કરી પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહેશભાઈ પાઠકે કર્યું હતું. જ્યારે અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેલ એન.એ.બી રાજ્યશાખાનાં સેક્રેટરી તારકભાઈ લુહારે પ્રેરેક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે કીર્તીભાઇ શાહ, ઘનશ્યામભાઈ બારૈયા વિગેરેએ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને બિરદાવી હતી. અધ્યક્ષસ્થાનેથી લાભુભાઈ સોનાણીએ વિદ્યાર્થીઓની ગણિતમાં રૂચી વધે તેવા સૂચનો આપ્યા હતા તેમજ આવતા વર્ષથી ગણિત માટે સ્વ.નીલાબેન લાભુભાઈ સોનાણી ગણિત એવોર્ડ અને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર આપવાની જાહેરાત તેમના તરફથી કરવામાં આવી હતી. આ પ્રસંગે આભારવિધિ કનુભાઈ પટેલે કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું.