કોરોના અંગેની આગોતરી તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી કોરોનાના સંભવિત ત્રીજા વેવને અનુલક્ષીને રાજ્ય સરકાર સંપૂર્ણ સુસજ્જ
ભાવનગરમાં દિનપ્રતિદિન કોરોનાના વધતા કેસને લઈ ને પ્રભારીમંત્રી કિરીટસિંહ રાણાએ આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકનું ઓચિંતા બેઠક યોજાઇ હતી, પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણાને પૂછાયેલા રાજકીય પક્ષોની ભીડના કારણે કોરોના વધ્યો છે તો તેનો જવાબ આપવાનું ટાળ્યું હતું, કિરિટસિંહ રાણા પ્રશ્ન પુછાતાની સાથે જ ખુરશીમાંથી ઉભા થઇ જઇ પ્રવક્તા જવાબ આપશે તેમ જણાવ્યું હતું. કોરોનાના સંભવિત ત્રીજા વેવને લઈને રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે. ભૂતકાળના કોરોના વેવમાં જે અગવડતાઓ અનુભવાઈ હતી તેને અનુલક્ષીને આગામી સંભવિત ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારી કરવામાં આવી છે અને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે ગઈ વખત કરતાં આ વખતે કોરોનાનો પ્રભાવ વ્યાપક રસીકરણને લીધે હળવો છે તે આપણાં માટે સારી વાત છે. આપણે ઇચ્છીએ કે કોરોના વધુ ન ફેલાય તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ગત વખતના કોરોનાના સમયગાળામાં જે તકલીફો પડી છે તે આ વખતે ન પડે અને બધું સરળતાથી વ્યવસ્થિત રીતે પહોંચી વળાય તે માટે તંત્ર સુસજ્જ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સંભવિત કોરોના વેવને ધ્યાનમાં રાખીને અગાઉથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. તેને લઈને આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રાજ્યમાં સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વાઇબ્રન્ટ જેવાં ઈવેન્ટને પણ મોકૂફ રાખવામાં આવ્યા છે તેની વિગતો તેમણે આપી હતી. રાજ્ય સરકાર તંત્રને સાબદુ કરવાં સાથે લોકો પણ આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે. લોકોના સાથ-સહકાર અને સામાજિક સંસ્થાઓના સહકારથી જ આપણે કોરોનાના બે વેવનો સફળતાપૂર્વક સામનો કર્યો હતો અને આ વખતે પણ આપણે તેને પહોંચી વળીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં પ્રભારી મંત્રીએ ભાવનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. પ્રભારી મંત્રીએ જણાવ્યું કે, કોરોનામાં અગાઉ આપણે સારી કામગીરી કરી છે. કોરોનાની નવા રૂપ ઓમીક્રોન સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. આથી, કોરોનાનો વેવ આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે. કોરોનાથી બચવાનો ઉપાય તકેદારી છે તેમ જણાવી તેમણે કહ્યું કે, કોરોના સામે સંરક્ષિત થવાં વધુને વધુ લોકો રસીકરણ કરાવે તે સમયની માંગ છે. પ્રભારી મંત્રીએ જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. આ બેઠકમાં સાંસદ ડો.ભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, મેયર કીર્તિબાળા દાણીધારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગળીયા, ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર અજય દહીયા, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ અને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.