ઓબીસી માટે ૨૭ ટકા અનામતને પણ સ્વીકૃતિ : EWS માટે ૧૦ ટકા અનામત આ વર્ષે પ્રભાવી રહેશે, ભવિષ્યમાં કોટાને જારી રખાશે કે નહીં તે નિર્ણય સુપ્રીમ કરશે
નવી દિલ્હી, તા.૭
સુપ્રીમ કોર્ટે નીટ-પીજી કાઉન્સિલિંગ ૨૦૨૧ને લીલી ઝંડી આપી દીધી છે. ઓબીસી માટે ૨૭ ટકા અનામતને પણ સુપ્રીમ કોર્ટ તરફથી સ્વીકૃતિ આપવામાં આવી છે. ઈડબલ્યુએસ માટે ૧૦ ટકા અનામત આ વર્ષે પ્રભાવી રહેશે. જોકે, ભવિષ્યમાં આ કોટાને જારી રાખવામાં આવશે કે નહીં, આનો નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. આ મામલે આગામી સુનાવણી માર્ચના બીજા અઠવાડિયામાં કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે. બેન્ચે બે દિવસની સુનાવણી બાદ ગુરૂવારે મામલામાં નિર્ણય સુરક્ષિત રાખતા ટિપ્પણી કરી હતી તેનો આદેશ રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખશે અને તેના ધ્યાનમાં રાખતા નીટ કાઉન્સિલિંગ જલ્દી જ શરૂ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટ સમક્ષ મુદ્દો હોવાના કારણે નીટ પીજી અભ્યાસક્રમો માટે કાઉન્સિંલિંગ રોકી દીધી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી ૨૦૨૧ માટે વિસ્તૃત ઈડબ્લ્યૂએસ માનદંડ પર એક વિસ્તૃત વચગાળાના આદેશની આવશ્યકતા છે. આને પ્રસ્તુત કરવા અને આદેશને તૈયાર કરવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી નીટ પીજી ઈડબ્લ્યૂએસ અને ઓબીસી કોટા માટે વર્તમાન ધોરણો માન્ય માનવામાં આવશે. બેન્ચે કહ્યુ કે અમે પાંડે સમિતિનો રિપોર્ટ સ્વીકાર કરીએ છીએ. કાર્યાલયમાં આપવામાં આવેલી નીટ ૨૦૨૧ની જાહેરાત સૂચનાના અનુરૂપ નીટ પીજી અને યુજીની કાઉન્સિલિંગ આયોજિત કરવામાં આવશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યુ કે નીટ પીજી અને યુજી માટે ઈડબ્લ્યુએસની ઓળખ માટે બતાવવામાં આવેલા માનદંડનો ઉપયોગ કરવામાં આવશે. પાંડેય સમિતિની રિપોર્ટ આ વિષયની અંતિમ માન્યતાના અધિન હશે.