કોવિન પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ : ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સાથે જિંદગી જીવી રહેલા લોકોને બૂસ્ટર ડોઝ અપાશે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૯
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને આખી દુનિયા સામે એક મોટો પડકાર રાખ્યો છે. જેમાં ભારત સહિત ઘણા દેશોમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. એવામાં લોકોને સુરક્ષિત રાખવા અને તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે સજ્જ રહેવું તે કોઈ મોટા પડકારથી ઓછું કામ નથી. આજ કારણ છે કે બે કોવિડ વેક્સીનના ડોઝ લઈ ચૂકેલા લોકોને બૂસ્ટર ડોઝ આપીને તેમની ઈમ્યુનિટી વધારવાની વાત થઈ રહી છે. ભારતમાં પણ સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બિમારીઓ સાથે જિંદગી જીવી રહેલા લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરક્ષાના ભાગરૂપે બૂસ્ટર ડોઝ માટે શનિવારે સાંજે કોવિન પોર્ટલ (ર્ઝ્ર-ઉૈહ ર્ઁિંટ્ઠઙ્મ) પર નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ છે. શનિવારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થતાં જ સોમવાર ૧૦ જાન્યુઆરીથી આ શ્રેણીના લાભાર્થિઓને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવશે. નેશનલ હેલ્થ મિશનના એડિશનલ સેક્રેટરી અને મિશન ડાયરેક્ટર વિકાસ શીલે શનિવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ’કોવિડ પર આરોગ્ય કર્મચારીઓ અથવા ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને નાગરિકો (૬૦થી વધુ) માટે બૂસ્ટર ડોઝ માટે ઑનલાઇન એપોઇન્ટમેન્ટની સુવિધા હવે શરૂ થઈ રહી છે. એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે, કૃપા કરીને કોવિન પોર્ટલની મુલાકાત લો.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બૂસ્ટર ડોઝ લેનારાઓ માટે નવી નોંધણીની જરૂર નથી અને તેઓ શનિવારથી સીધી એપોઇન્ટમેન્ટ લઈ શકે છે અથવા કેન્દ્ર પર જઈને રસી મેળવી શકે છે.નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૫ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ જાહેરાત કરી હતી કે ૧૦ જાન્યુઆરીથી સુરક્ષાના ભાગરૂપે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું કહેવું છે કે વરિષ્ઠ નાગરિકો અને ગંભીર બીમારીઓ સાથે જીવતા લોકોને બૂસ્ટર ડોઝ લેવા માટે તેમના ડૉક્ટરની લેખિત મંજૂરીની જરૂર નથી. તમને જણાવી દઈએ કે શુક્રવારે દેશે ૧૫૦ કરોડ વેક્સિનનો આંકડો પાર કરી લીધો હતો. અત્યાર સુધીમાં દેશની ૯૦ ટકા પુખ્ત જનતાએ કોવિડ ૧૯ નો પ્રથમ ડોઝ લીધો છે.આરોગ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ત્રીજો ડોઝ પણ એ જ કોરોના રસીનો હશે જે પહેલા બંને ડોઝ લગાવવામાં આવ્યા હોય. જેમને શરૂઆતમાં કોવેક્સીનના બંને ડોઝ મળ્યા છે, તેઓએ કોવેક્સીનનો ત્રીજો ડોઝ લેવો, તેવી રીતે જેમને કોવિશિલ્ડ લીધેલી હોય તેમને પણ કોવિશીલ્ડનો ત્રીજો ડોઝ લેવો જોઈએ. નીતિ આયોગના ડૉક્ટર વીકે પાલે પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ વાત જણાવી હતી.