આ પેનલને ટેલિસ્કોપની ગોલ્ડન આઈ કહેવામાં આવે છે, હવે બ્રહ્માંડના રહસ્યો ખૂલશે
(સંપૂર્ણ સ. સેવા) વોશ્ગિટન, તા.૯
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા અવાર નવાર કંઈકને કંઈક નવીનતા કરતું રહે છે, ત્યારે યુએસ સ્પેસ એજન્સી નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપની અંતિમ મિરર પેનલ શનિવારે સંપૂર્ણ રીતે ખુલી ગઈ હતી. ફૂલની આકૃતિનું સોનાથી બનેલ આ પેનલ ખૂલ્યા બાદ ટેલીસ્કોપ અંતરિક્ષમાં સંપૂર્ણ રીતે તૈનાત કરી દેવામાં આવ્યું છે. ટેલીસ્કોપના સંચાલનમાં એક છેલ્લી મોટી મુશ્કેલી હતી. હવે જેમ્સ વેબ ટેલિસ્કોપ બ્રહ્માંડના ઇતિહાસના દરેક તબક્કાનો અભ્યાસ કરવા માટે તૈયાર છે. નાસાએ ટિ્વટ કર્યું, છેલ્લી વિંગ તૈનાત કરવામાં આવી છે. આ ૨૧ ફૂટ લાંબી પેનલને ટેલિસ્કોપની ગોલ્ડન આઈ કહેવામાં આવે છે. મિશન ચીફ થોમસ ઝુરબુચેને જણાવ્યું હતું કે, હું આકાશમાં આ સુંદર ટેલિસ્કોપ જોઈને ભાવુક થઈ ગયો છું. આ અદ્ભુત છે અને અવકાશના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ ટૂંક સમયમાં કામ કરવાનું શરૂ કરી દેશે. ૧૦ બિલિયન ડૉલરના ખર્ચે બનેલ આ ટેલિસ્કોપ હબલ સ્પેસ ટેલિસ્કોપથી વધુ શક્તિશાળી છે.
તે ૧૩.૭ અરબ વર્ષ પહેલા બનેલા તારાઓ અને આકાશગંગાઓનું અધ્યન કરવામાં સક્ષમ છે. જેમ્સ વેબ સ્પેટ ટેલીસ્કોપ દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે જેને નાસા, યૂરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડા સ્પેસ એજન્સી મળીને બનાવ્યું છે. તેમાં એક ગોલ્ડન મિરર લાગેલો છે જેની પહોંળાઈ લગભગ ૨૧.૩૨ ફૂટ છે. આ મિરર બેરિલિયમથી બનેલા ૧૮ ષષ્ઠકોણ ટુકડાઓને જોડીને બનાવવામાં આવ્યું છે. દરેક ટુકડા પર ૪૮.૨ ગ્રામ સોનાનું વરખ ચઢાવવામાં આવ્યું છે, જેનાથી આ એક રિફ્લેક્ટરની જેમ કામ કરે છે. અવકાશ સૌર કચરાથી ભરેલો છે જે સતત ફરતો રહે છે. તેમજ વિશાળકાય ઉલ્કાઓ અને ધૂમકેતુઓ પણ ઉપગ્રહો માટે એક મોટો ખતરો છે. એવામાં આ ટેલિસ્કોપને આવા ખતરાથી બચાવવાની જવાબદારી વૈજ્ઞાનિકોની રહેશે. જો તેને કોઈ નુકસાન ન થાય તો તે ૫ થી ૧૦ વર્ષ સુધી સતત કામ કરતું રહેશે.
નાસાએ જણાવ્યું કે અંતરિક્ષમાં ટેલિસ્કોપ ખોલવું પડકારજનક હતું, જેમ્સ વેબને હબલ ટેલિસ્કોપનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. તેને ૨૫ ડિસેમ્બરે ફ્રેન્ચ ગુયાનાથી એરિયન ૫ રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા ૧૩ અબજ પ્રકાશવર્ષ દૂર સુધી જોવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ટેલિસ્કોપ દ્વારા બ્રહ્માંડનું રહસ્ય દૂર કરવામાં આવશે. જેમ્સ વેબ ટેલિસ્કોપ પૃથ્વી અને ચંદ્રથી દૂર સ્થિત છે.