કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે ૩૫,૭૦૭,૭૨૭ થઈ ગઈ : કોરોનાને માત આપનારાની સંખ્યા ૩૪૫૦૦૧૭૨ થઈ, એક દિવસમાં ૪૬૫૬૯ લોકો કોરોનાથી રિકવર થયા, છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬ લોકોએ જીવ ગુમાવ્યા
નવી દિલ્હી,તા.૧૦
ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. કોવિડ-૧૯ના નવા કેસમાં ૧૨.૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૭૯ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. ફક્ત ૧૩ દિવસમાં કોવિડના દૈનિક કેસ ૨૮ ગણા થઈ ગયા છે. ૨૮ ડિસેમ્બરે ૬,૩૫૮ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા ૧,૭૯,૭૨૩ કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે ૩૫,૭૦૭,૭૨૭ થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં ૭,૨૩,૬૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને ૧૩.૨૯% થયો છે. કોરોનાને માત આપનારાની સંખ્યા ૩૪,૫૦૦,૧૭૨ થઈ છે. એક દિવસમાં ૪૬,૫૬૯ લોકો કોરોનાથી રિકવર થયા છે. કોરાનાથી છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૬ લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં ૪૮૩,૯૩૬ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૪,૦૩૩ થયા છે. કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી દેશભરમાં પ્રીકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ ગયું છે. આજે સવારે ૯ વાગ્યાથી પ્રીકોશન ડોઝ દેશભરના સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહ્યો છે. આ ત્રીજો પ્રીકોશન ડોઝ એવા સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ વયના લોકોને મળશે જેમને કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યાને ૯ મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હશે. તમામ ફ્રન્ટલાઈન વર્કર્સ તથા હેલ્થકેર વર્કર્સ તથા ૬૦ વર્ષ અને તેનાથી વધુ વયના લોકો કે જેઓ ગંભીર બીમારીથી પીડિત છે તેમના માટે કોવિડ-૧૯ રસીના પ્રીકોશન ડોઝ માટે રજિસ્ટ્રેશન ૮ જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર્સ ગણવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રીકોશન ડોઝ માટે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને યાદ કરાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એક અંદાજા મુજબ ૧.૦૫ કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ, ૧.૯ કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના અન્ય ગંભીર બીમારીઓથી પીડિત ૨.૭૫ કરોડ લોકોને કાર્યક્રમ મુજબ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. પ્રીકોશન ડોઝ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. સીધી એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે. એટલું જ રસીકરણ કેન્દ્ર ઉપર જઈને પણ રસી લઈ શકાય છે.