સંરક્ષણ મંત્રી રાજનાથસિંહને કોરોના, હોમ ક્વોરન્ટાઈન

78

રાજનાથસિંહે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ થવા અંગેની સલાહ આપી
નવી દિલ્હી,તા.૧૦
દેશમાં કોરોનાના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં પણ આંકડા ડરાવી રહ્યા છે. હવે તો મોદી કેબિનેટ સુધી કોરોના પહોંચી ગયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થઈ ગયા છે. ટેસ્ટનો રિપોર્ટ આવ્યા પછી સંરક્ષણ મંત્રીએ પોતાને હોમ ક્વારન્ટાઈન કરી લીધા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ થવા સલાહ આપી છે. રાજનાથ સિંહે ટિ્‌વટ કરીને પોતાને કોરોના થયો હોવાની જાણ કરી છે. સોમવારે સંરક્ષણ મંત્રીએ ટિ્‌વટર પર જણાવ્યું કે, ’હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હોમ ક્વારન્ટાઈનમાં છું. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવલા લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાનો ટેસ્ટ કરાવી લે.’દેશમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૯,૭૨૩ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં ૪૪,૩૮૮ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૧૪૬ લોકોના મોત થયા છે. આ સિવાય ભારતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા ૪૦૦૦ને પાર કરીને ૪૦૩૩ પર પહોંચી છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧,૨૧૬ અને રાજસ્થાનમાં ૫૨૯ કેસ છે. ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ૨૩૬ કેસ નોંધાયા છે અને ૧૮૬ સાજા થયા છે. દેશના ૪,૦૩૩માંથી ૧,૫૫૨ દર્દીઓએ ઓમિક્રોનને હરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આવામાં આ મહિનાના અંત સુધીમાં ત્રીજી લહેર શરુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આ અઠવાડિયામાં દૈનિક કેસનો આંકડો ૪-૮ લાખ (સાત દિવસના સરેરાશ કેસ) પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. જાન્યુઆરીની મધ્યમમાં જ મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેમાં દિલ્હીના દૈનિક કેસ (૭ દિવસના સરેરાશ કેસ)ની સંખ્યા ૫૦,૦૦૦-૬૦,૦૦૦ અને મુંબઈના દૈનિક કેસની સંખ્યા ૩૦,૦૦૦ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અનુમાન આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલ દ્વારા સૂત્ર મૉડલના આધારે કરવામાં આવ્યું છે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૭૯૭૨૩ કેસ
Next articleમહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા