સ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ

104

સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી.તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તેઓ વારાણસીના વિરેશ્વર શિવ ની આરાધના કરતા હતા.જાણવા મળ્યા મુજબ તેણીને એક સ્વપ્ન આવ્યુ હતું જેમાં તેમને એવું દેખાયુ હતું કે શિવ ભગવાને ધ્યાનમાંથી ઉઠીને કહ્યું કે તેઓ તેના પેટે પુત્ર તરીકે જન્મ લેશે. તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. તેમની યુવાનીના વર્ષો દરમિયાન તેઓ પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને વિજ્ઞાનના પરિચયમાં આવ્યા હતાં અને તેઓ કોઇ પણ વાતને બૌધિક પુરાવા અને વ્યવહારિક ચકાસણી વિના માનવાનો ઇન્કાર કરતા હતાં. તેમના મનનો બીજો હિસ્સો ધ્યાનના આધ્યાત્મિક આદર્શો અને અનાસક્તિ તરફ આકર્ષાતો હતો.
નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને૧૮૭૧માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન ૧૮૭૯માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી. તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા. તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા. બાળપણથી જ તેમ્ણે શારીરિક કસરત, રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓ જ્યારે ખુબ જ યુવાન હતા ત્યારે પણ તેમણે પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો..
“ મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે. ”
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફકત ૩૯ વર્ષ, પ માસ અને રર દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યું હતું કે, જેથી સમગ્ર વિશ્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.
આત્મવિશ્વાસઃ જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરૂર છે પોતાનો આત્મવિશ્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્વરમાં વિશ્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્વાસ વ્યકત કરવાનું જણાવે છે. “પહેલાં કહેવાતું હતું કે, ઈશ્વરમાં વિશ્વાસ નહિ કરવાવાળો નાસ્તિક છે. હું કહું છું કે, જેને પોતાનામાં વિશ્વાસ નથી એ નાસ્તિક છે.” આપણે આપણી શકિતઓની પરીક્ષા કર્યા વગર જ તેને મર્યાદિત કરી દીધી છે. આપણે એમ માનીને ચાલીએ છીએ કે આપણે આટલું જ કરી શકીએ, જયારે આપણી શકિતઓ અમર્યાદ છે. જો યુવાનો દ્રઢ નિર્ધાર કરે તો તેમના માટે શું અશકય છે ? આપણે સામાન્ય વ્યકિતઓની અસામાન્ય સિદ્ધિઓથી આશ્ચર્યશકિત પણ થઈ જઈએ છીએ અને તેમનાં વખાણ પણ કરીએ છીએ, પરંતુ શું આપણે એમનામાંથી પ્રેરણા મેળવીએ છીએ ? શું આપણી ભીતર આ આત્મવિશ્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને એ પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાનીમોટી, સકારાત્મકનકારાત્મક બધીજ ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શકિતને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.
સમર્પણઃ કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. સ્વામીજી તેને અધ્યવસાયની સંજ્ઞા આપે છે. “અધ્યવસાયી આત્મા કહે છે કે, હું સાગરને પી જઈશ એ છીપની જેમ જે સ્વાતિ નક્ષત્રના એક ટીપાને પ્રાપ્ત કરવા માટે મોજાંની ઉપર આવે છે. એક ટીપું પ્રાપ્ત થયા પછી સમુદ્રની અગાધ ઊંડાઈમાં જઈને ધીરજપૂર્વક બેસી જાય છે, જયાં સુધી તેનું મોતી ન બની જાય. આપણા યુવાનોને આવા અધ્યવસાયની જરૂર છે.” આપણે કોઈપણ કાર્યની શરૂઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ પરંતુ થોડા જ સમયમાં સ્વાભાવિક રીતે જ તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભ શૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી જ યુવાનોને સફળતા મળી શકે છે.
સંગઠનઃ વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યકિતગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફટવેરનું, એને જ મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરીટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્વના તમામ માનવ સંસાધન તજ્જ્‌ઞો આજે એજ ગુણને મહત્ત્વ આપે છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સંગઠન કાર્યના ચમત્કારથી પ્રભાવિત થયા હતા. એમણે નક્કી કર્યું હતું કે, ભારતમાં પણ આ સંગઠન કૌશલ્યને પુનઃર્જીવિત કરવું છે. તેમણે પોતે જ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને, સંન્યાસીઓ સુધી સંગઠન કરીને સમૂહમાં કામ કરવાની તાલીમ આપી હતી.
આસી.પ્રો ડૉ સચિન જે પીઠડીયા
G.E.S class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleકાન કે કામમાં સળી કે સડી નહીં