એક દિવસમાં કોરોનાએ ૨૭૭ દર્દીઓનો ભોગ લીધો : કોરોનાના નવા કેસમાં ૬.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૯૫૯ દર્દીઓ રિકવર થયા છે
નવી દિલ્હી,તા.૧૧
ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે જે રાહતના સમાચાર ગણી શકાય. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૬૮ લાખ કેસ નોંધાયા છે. ગઈ કાલે કોરોનાના ૧,૭૯,૭૨૩ નવા કેસ નોંધાયા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૬૮,૦૬૩ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા હવે ૩૫,૮૭૫,૭૯૦ થઈ ગઈ છે. એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ દેશમાં ૮,૨૧,૪૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાના નવા કેસમાં ૬.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે જે રાહતના સમાચાર કહી શકાય. છેલ્લા ૨૪ કલાકમાં ૬૯,૯૫૯ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાએ ૨૭૭ દર્દીઓનો ભોગ લીધો છે. આ સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો હવે ૪૮૪,૨૩૧ થઈ ગયો છે. દેશમાં કોરોનાથી રિકવરી રેટ ૯૬.૩૬% છે. જ્યારે હાલ કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ ૧૦.૬૪% થયો છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વધીને ૪૪૬૧ થયા છે. રસીકરણ પણ પૂરજોશમાં ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૯૨,૦૭,૭૦૦ રસીના ડોઝ અપાયા છે. ત્યારબાદ હવે રસીકરણનો આંકડો ૧,૫૨,૮૯,૭૦,૨૯૪ પર પહોંચ્યો છે. આ બાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ટેસ્ટિંગને લઈને મહત્વની સલાહ આપી છે. આઈસીએમઆરે કહ્યું કે, કોરોના દર્દીના સંપર્કમાં આવેલા દરેકે કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. વધુ જોખમવાળા લોકોએ જ કોરોના ટેસ્ટ કરાવવો જરૂરી છે. વધુ જોખમવાળા એટલે કે જેમની ઉંમર વધુ છે કે પછી તેઓ કોઈ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આઈસીએમઆરએ કહ્યું કે ફક્ત વૃદ્ધ કે પહેલેથી કોઈ ગંભીર બીમારીથી પીડિત હાઈ રિસ્કવાળા લોકો જ કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા બાદ ટેસ્ટ કરાવે.