તળાજાનાં ત્રાપજ ગામે ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ઉજવાયો આઝાદીનો અમૃત મહોત્સવ

109

આઝાદીની સંઘર્ષ ગાથાને યાદ કરી રાષ્ટ્રનાં વિકાસમાં સહભાગી થવા સૌ કોઈ થયા સંકલ્પબદ્ધ : વિવિધ સ્પર્ધાઓ સાથે સ્વાતંત્ર્ય સંગ્રામની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન યોજાયું
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢ દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે જાણકારી આપી લોકોમાં રાષ્ટ્ર ભાવનાનો સંચાર કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, કોવિડ૧૯ જાગૃતતા અભિયાન, કોવિડ૧૯ રસીકરણ અભિયાન જેવાં અભિયાનમાં જન જાગૃતતા લાવવના પ્રયાસો કરવામાં આવ્યાં તેમજ સરકારની વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાણકારી આપી લોકોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમસિંહ પરમાર, ત્રાપજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. પરમાર સાહેબ, ત્રાપજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી જયુભા ગોહિલ, સહકારી મંડળીના પ્રમુખ શ્રી લક્ષ્મીરામભાઇ, ભાવનગર યુનિવર્સિટીના સેનેટ સભ્ય જયદીપસિંહ ગોહિલ, તળાજા મોડેલ સ્કૂલના આચાર્ય વિશાલભાઈ રાજ્યગુરુ, ત્રાપજ હાઇસ્કૂલના આચાર્ય પરાક્રમસિંહ ગોહિલ તેમજ ગામના સ્થાનિક આગેવાનો સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી.ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી એ આઝાદીની જુદીજુદી ચળવળ સાથે સ્વતંત્રતા સંઘર્ષ વિશે જાણકારી આપી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ વિશે માહિતી આપી હતી. અમૃત મહોત્સવની ઉજવણીના પાંચ સ્તંભો આઝાદીનો સંઘર્ષ, ૭૫ વર્ષે વિચારો, ૭૫ વર્ષે સિદ્ધિઓ, ૭૫ વર્ષે કાર્યો અને ૭૫ વર્ષે આપણા સંકલ્પો એ વિશે વિસ્તૃતમાં જાણકારી આપવાની સાથે સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાનો વિષયક જાણકારી તેમજ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કોરોના માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આયોજિત થયેલ આ કાર્યક્રમમાં ત્રાપજના મેડિકલ ઓફિસર ડૉ. પરમારે કોરોના સંબંધિત જાણકારી આપવાની સાથે આ મહામારીથી બચવાનાં અને તેનાથી સુરક્ષિત રહેવાંનાં ઉપાયો સૂચવ્યા હતા અને તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ સાથે જ તેમણે દેશમાં શરૂ થયેલા ૧૫થી ૧૮ વર્ષના કિશોરોનાં રસીકરણ કાર્યક્રમ તેમજ બુસ્ટર ડોઝ વિશે પણ જાણકારી પૂરી પાડી સૌને રસી લેવા માટે અપીલ કરી હતી. ગામના વિકાસમાં સહભાગી થવું એ પણ રાષ્ટ્રના નિર્માણમાં બહુ મોટું યોગદાન છે તેમ કહી ગામના સરપંચશ્રી ધર્મેન્દ્રસિંહે સૌ કોઈને રાષ્ટ્રહિતનાં કાર્યોમાં આગળ આવવા માટે અપીલ કરી હતી. કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની ઝાંખી કરાવતું ચિત્ર પ્રદર્શન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે જ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ વિચાર પ્રસ્તુતિકરણ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે ત્રાપજ હાઇસ્કૂલનાં આચાર્ય, શિક્ષકગણ, ગામનાં સરપંચ તેમજ પંચાયતના સભ્યોની કામગીરી પ્રશંસનીય રહી હતી. કાર્યક્રમમાં હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ તેમજ ગામના સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લેતા કાર્યક્રમનો હેતુ સાર્થક જણાયો હતો.

Previous articleભાવનગર જિલ્લામાં ફેલાયેલાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક
Next articleસરકારી વિનયન કોલેજમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વકૃત્વ સ્પર્ધા યોજાઈ