દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯,૫૫,૩૧૯ પર પહોંચી છે, દૈનિક પોઝિટિવિટી રેટ ૧૧.૦૫ ટકા છે ઓમિક્રોનના કુલ કેસ ૪૮૬૮ થયા છે
નવી દિલ્હી, તા.૧૨
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. ગઈકાલ કરતાં આજે કોરોના કેસમાં ૧૫.૮ ટકાનો વધારો થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૯૪,૭૨૦ નવા કેસ નોંધાયા છે અને ૪૪૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૬૦,૪૦૫ સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૯,૫૫,૩૧૯ પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૧૧.૦૫ ટકા છે ઓમિક્રોનના કુલ કેસ ૪૮૬૮ થયા છે.દેશમાં અત્યાર સુધીમાં ૬૯,૪૯,૧૭,૧૮૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૧ જાન્યુઆરીએ ૧૭,૬૧,૯૦૦ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસમાં લતા મંગેશકર, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, કર્ણાટકના મુખ્યમંત્રી સહિત એક કેન્દ્રીય નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત જાનવી કપૂર, ખુશી કપૂર, સુઝેન ખાન, વીર દાસ, નેહા પેડસે, મોહિત મલિક પણ સંક્રમિત થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૭૪૭૬ કેસ નોંધાયા છે. બીજી તરફ ૨૭૦૪ દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૨૮,૪૦૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ ૯૪.૫૯ ટકાએ પહોંચ્યો છે.
દિલ્હીના ૧૭૦૦ પોલીસો કોરોનાની ઝપેટમાં આવ્યા
દેશની રાજધાની દિલ્હીની પોલીસ કોરોના સામે ઝઝૂમી રહી છે.કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે.દિલ્હી પોલીસના સૂત્રોના કહેવા પ્રમાણે ૧૭૦૦ જેટલા પોલીસ કર્મીઓને કોરોના થયો છે અને હવે દિલ્હી પોલીસના ટોચના અધિકારીઓ પણ ઓનલાઈન બેઠકો પર જ ભાર મુકી રહ્યા છે.દિલ્હી પોલીસ હેડક્વાર્ટરમાં એક અલગ ડેસ્ક બનાવાઈ છે અને તેના પર પોલીસ કર્મીઓના કોરોનાના આંકડા અપડેટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં પોલીસ અધિકારીઓને અને સરકારને ચિંતા એ વાતની છે કે, જો કોરોનાનુ સંક્રમણ આ જ રીતે ચાલુ રહેશે તો પોલીસ જવાનોની અછતની સમસ્યા ઉભી થઈ શકે છે.દિહ્લીમાં કોરોનાના ૨૦૦૦૦ કરતા વધારે કેસ રોજ સામે આવી રહ્યા છે અને રાજ્ધાનીમાં પોઝિટિવિટી રેટ પણ વધીને ૨૫ ટકા થઈ ગયો છે.જે બાબત ચિંતાનો વિષય છે.