ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં એક હાડવૈદ છેલ્લાં ૨૩ વર્ષથી સેવાની ધૂણી ધખાવીને બેઠાં છે. જેનાં દ્વારા તેમણે ભાવનગર શહેરના વિવિધ દુઃખાવાથી પીડાતા પ હજાર લોકોની સેવા – સુશ્રુષા કરીને તેમને આ પીડામાંથી મુક્તિ અપાવી છે. વ્યવસાયે હાડવૈદ એવાં શ્રી નાનજીભાઈ ડાભીનું નામ ભલે ’નાનું’ હોય પરંતુ તેમનું સમાજસેવા માટેનું ’કામ’ મોટું છે.આજે બોર તળાવ વિસ્તારમાં નિઃશૂલ્ક સેવા કેમ્પ યોજીને આશરે ૫૦૦ લોકોને કમર, હાથ પગના દુ,ઃખાવા, ખભાના દુઃખાવા વગેરેની દવા નિઃશૂલ્ક પૂરી પાડી હતી. તેમની સેવાને ઉજાગર કરતાં તેમના દવાખાનાનું નામ પણ ’અલખ’ છે. જે અલગ પણ છે અને અનોખું પણ છે. દુઃખથી પીડાતા લોકો માટે તે ’અલખનો ઓટલો’ છે. કારણ કે જ્યારે પણ સેવાની હાકલ પડે છે ત્યારે તેઓ ગમે તે સમયે દર્દીના ઘરે પહોંચી જઈને સેવા પૂરી પાડે છે. તેઓ છેલ્લાં ઘણા સમયથી વિવિધ કેમ્પ યોજીને ભાવનગર શહેર તથા આસપાસના વિસ્તારના પાંચ હજારથી વધુ લોકોને આ રીતે મફત દવા પૂરી પાડીને તેમને દુઃખાવામાંથી મુક્તિ અપાવી ચૂક્યાં છે. મૂળે સુરેન્દ્રનગર જિલ્લાના રાણીપાર ગામના નાનજીભાઈના પિતાશ્રી કાળુભાઈ ડાભી પણ તેમના સમયમાં ગામમાં હાડવૈદ તરીકેનું કાર્ય કરતા હતાં. તે રીતે તેમને વારસાગત રીતે જ આ વિદ્યા હસ્તગત છે. તેઓ ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં દરરોજ ૯ થી ૧૦ વાગ્યા સુધી દુઃખાવાથી પીડાતા દર્દીઓની સેવા નિઃશૂલ્ક કરે છે. આ ઉપરાંત દર રવિવારે ઉમરાળા તાલુકાના ટીંબી ખાતે પણ કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓની નિઃશૂલ્ક સારવાર કરે છે. આજે કેમ્પમાં ખભાના દુઃખાવાની દવા લેવા આવેલાં બાબુભાઈ પટેલે તેમની સેવાને વખાણી હતી. મોહમ્મદભાઈ કુરેશી તેમના મમ્મી-પપ્પાના સાંધાના દુઃખાવાની દવા લેવા માટે આવ્યાં હતાં તેઓએ પણ નાનુભાઈની દવા અસરકારક છે અને તેઓ કાળજીપૂર્વક દરેકની સેવા કરે છે તેમ તેમનાં પ્રતિભાવમાં જણાવ્યું હતું. આમ, સંસ્કારીનગરી એવું ભાવનગર કલાક્ષેત્રની સાથે સેવા ક્ષેત્રે પણ કોઈ જગ્યાએ પાછળ નથી. આવાં પરગજુ અને પરોપકારી લોકોને કારણે જ માનવતા હજુ જીવંત છે.