મુંબઇ,તા.૧૩
ભારતીય ક્રિકેટમાં એક સમય એવો હતો કે જો સચિન તેંડુલકર ટીમમાં ન હોય તો જીત મેળવવી મુશ્કેલ હતી. સચિનનાં નામે આજે પણ એવા રેકોર્ડ છે કે જેને તોડવા એટલા આસાન પણ નથી. જેમા ૧૦૦ સદી સામેલ છે. આ મહાન ખેલાડીને લઇને હવે ચર્ચાઓ તેજ બની છે કે તે જલ્દી ક્રિકેટમાં પરત ફરી શકે છે. જો કે આ વખતે તે મેદાનમાં નહી પણ બીસીસીઆઇમાં મોટી જવાબદારી સંભાળી શકે છે. વિશ્વનાં મહાન બેટ્સમેનોમાંના એક ભારતનાં સચિન તેંડુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં મોટી જવાબદારી મળી શકે છે. તેંડુલકર સાથે સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ ભારતીય ક્રિકેટનાં સૌથી મોટા ચહેરાઓમાં સામેલ છે. હાલમાં, ગાંગુલી બીસીસીઆઇનાં અધ્યક્ષ છે, જ્યારે દ્રવિડને તાજેતરમાં ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય લક્ષ્મણને નેશનલ ક્રિકેટ એકેડમીનાં વડા બનાવવામાં આવ્યા છે. પરંતુ માત્ર તેંડુલકર જ છે કે જેમને અત્યાર સુધી મ્ઝ્રઝ્રૈંમાં કોઈ જવાબદારી મળી નથી. જો કે, બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે હવે સંકેત આપ્યો છે કે તેંડુલકર પણ બોર્ડમાં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. એક અહેવાલ મુજબ, જય શાહે કહ્યું છે કે, દ્રવિડને મુખ્ય કોચ અને લક્ષ્મણને એનસીએનાં વડા તરીકે પસંદ કર્યા પછી તેંડુલકરને પણ બોર્ડમાં ભૂમિકા મળી શકે છે. શાહે કહ્યું છે કે તેઓ આ માટે ‘ક્રિકેટનાં ભગવાન’ ગણાતા સચિનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સચિનને પસંદગી સમિતિમાં ભૂમિકા આપવામાં આવી શકે છે. વળી, સચિન તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ અહેવાલો છે કે બીસીસીઆઇ સેક્રેટરી ભારતનાં મહાન બેટ્સમેનને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેપ્ટન ગાંગુલીએ ૨૦૧૯માં બીસીસીઆઇનાં ૩૯માં અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પહેલા સીકે ખન્ના બીસીસીઆઇનાં અધ્યક્ષ હતા. તેઓ ૨૦૧૭ થી ૨૦૧૯ સુધી આ પદ પર રહ્યા હતા. જ્યારે આ પહેલા અનુરાગ ઠાકુર આ પોસ્ટ સંભાળતા હતા. ગાંગુલી બીસીસીઆઇનાં અધ્યક્ષ બનનાર બીજા કેપ્ટન છે. તેમના પહેલા વિજયનગરનાં મહારાજ કુમાર પહેલા કેપ્ટન હતા જેમને આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. સચિને ગાંગુલીનાં બીસીસીઆઇ અધ્યક્ષ બનવા પર અભિનંદન આપતાં કહ્યું હતું કે, “જે રીતે તેમણે પોતાની ક્રિકેટ રમી છે, જે રીતે તેમણે દેશની સેવા કરી છે, મને કોઈ શંકા નથી કે તે (બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે) ક્ષમતા, જુસ્સા સાથે તેમની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, ક્રિકેટનાં ગોડ કહેવાતા સચિન તેંડુલકર આજે પણ ક્રિકેટનાં ઇતિહાસમાં વિશ્વનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક તરીકે ગણવામાં આવે છે. તે ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ખેલાડી અને સૌથી યુવા વ્યક્તિ છે. તેમને ૨૦૦૮માં પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા છે.