ઘોઘા CHC એપ્રોચ રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના જાગૃત નાગરિકે આક્ષેપ લગાવ્યો

128

રોડના કામમાં એસ્ટીમેન્ટ મુજબ માલ મટીરીયલ્સ વાપરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ
ઘોઘા શહેરમાં બનાવવામાં આવેલો નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્ર એપ્રોચ રૂ.3 લાખના ખર્ચે નવા બનાવાયેલા રોડમાં ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રોડના કામમાં એસ્ટીમેન્ટ મુજબ માલ મટીરીયલ્સ વાપરવામાં આવ્યું ન હોવાથી તંત્ર અને કોન્ટ્રાક્ટર દ્વારા ભરપૂર માત્રામાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ઘોઘા શહેરમાં આશરે 1 માસ પૂર્વે સામુહિક આરોગ્ય કેન્દ્ર એપ્રોચ નવો આર.સી.સી રોડ બનાવવામાં આવ્યો છે, જે રોડમાં રેતી, કપચી, સિમેન્ટ અને ટી.એમ.ટી બાર જેવા મટરિયલ્સ એસ્ટીમેન્ટ મુજબ વાપરવામાં આવ્યું ન હોવાનું ઘોઘાના જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં છે.

આર.સી.સી. રોડનું બાંધકામ મજબૂત હોય છે પરંતુ ઘોઘામાં ATVT કાર્યવાહક 2021/22 ની ગ્રાન્ટમાંથી રૂ.3 લાખના ખર્ચે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આર.સી.સી રોડમાં યોગ્ય મટીરીયલ્સ નહી વપરાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલી ભગતથી બનાવવામાં આવેલા આવા નબળી કક્ષાના રોડને લઈને કોન્ટ્રાક્ટર અને તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે. જેથી રોડ બનાવતી વખતે કોઇપણ પ્રકારની તકેદારી નહી રાખવામાં આવતી હોવાથી થોડા જ સમયમાં રોડ તૂટી જાય છે. જેમાં તંત્રનું લાખો રૂપિયાનું આંધણ થાય છે અને રોડ પાછળ ખર્ચ કરેલા પૈસાની કોઇ કિંમત જ ના હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો થઇ રહ્યાં છે. જેથી રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ થવી જરૂરી છે અને ગેરરીતી માલુમ પડતા આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવા અને જવાબદાર વહિવટીતંત્ર સામે પણ શિક્ષાત્મક પગલા ભરવા વ્યાપક માંગ ઉઠી છે.

Previous articleરાણપુરમાં ઝવેરચંદ મેઘાણીની તકતી અનાવરણ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગરમાં માળનાથ ગ્રુપે ઉત્તરાયણ પર્વ પૂર્ણ થતાં ઠેરઠેર લટકેલી દોરી એકત્રિત કરી નાશ કર્યો