માર્ચ સુધીમાં ૧૨થી ૧૫ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે

83

કોરોનાના વધતા કેસની વચ્ચે રાહતના સમાચાર : નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનની મહત્વપૂર્ણ બેઠકમાં જલદી નિર્ણય લેવામાં આવી શકે છે
નવી દિલ્હી,તા.૧૭
દેશમાં ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ ગયું છે અને હવે માર્ચ સુધીમાં ૧૨થી ૧૫ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ શકે છે. તેને લઈને નેતાજી એટલે કે નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનની બેઠકમાં જલદી નિર્ણય લેવામાં આવી શકે છે. માર્ચ સુધી ૧૫થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ પૂરુ થવાની આશા છે, ત્યારબાદ ૧૨થી ૧૫ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે. તે માટે વેક્સીન પણ ઉપલબ્ધ છે. ૧૨થી ૧૫ વર્ષના બાળકોની કોરોના વેક્સિન માટે ડીસીએફઆઈ એટલે કે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની મંજૂરી મળી ગઈ છે. ભારત બાયોટેકની કોવેક્સીન ૧૨થી ૧૫ વર્ષના ઉંમરવર્ગને આપી શકાય છે. અત્યારે ૧૫થી ૧૮ ઉંમર વર્ગને આ રસી આપવામાં આવી રહી છે. કોવિડ ટાસ્ટ ફોર્સના અધ્યક્ષ ડો. એન કે અરોડાએ સોમવારે કહ્યુ કે ૧૫-૧૮ વર્ષ વર્ગમાં અંદાજિત ૭.૪ કરોડ (૭,૪૦,૫૭,૦૦૦) માંથી ૩.૪૫ કરોડથી વધુને અત્યાર સુધી વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
અને ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવાનો છે. તેમણે કહ્યું- આ ઉંમર વર્ગના કિશોર રસીકરણની પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વ ભાગ લઈ રહ્યાં છે અને રસીકરણની ગતિ જોતા ૧૫-૧૮ ઉંમર વર્ગના બાકી લાભાર્થીઓને જાન્યુઆરીના અંત સુધી પ્રથમ ડોઝ લાગવાની સંભાવના છે. ત્યારબાજ બીજો ડોઝ ફેબ્રુઆરીના અંત સુધી આપવાની આશા છે. અરોડાએ કહ્યુ કે ૧૫-૧૮ વર્ષ ઉંમર વર્ગનું રસીકરણ થયા બાદ સરકાર માર્ચમાં ૧૨-૧૫ ઉંમર વર્ગનું રસીકરણ શરૂ કરવાનો નિર્ણય લઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ૧૨-૧૫ વર્ષના ઉંમર વર્ગમાં આશરે ૭.૫ કરોડની વસ્તી છે.
સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધી ૧૫-૧૮ વર્ષના બાળકોને ૩.૪૫ કરોડથી વધુ પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ભારતમાં કોવિડ રસીકરણ અભિયાનની શરૂઆત પાછલા વર્ષે ૧૬ જાન્યુઆરીએ શરૂ થઈ હતી.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા
Next articleપંજાબની તમામ બેઠકો પર ૨૦ ફેબ્રુઆરીએ મતદાન થશે