સામાન્ય બાબતે એક જ પરીવારના સભ્યો વચ્ચે થયેલી સશસ્ત્ર મારામારીમાં બે વ્યક્તિઓની હત્યા થઈ હતી
ભાવનગરના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે આજથી એક વર્ષ પૂર્વે સામાન્ય બાબતે એક જ પરીવારના સભ્યો વચ્ચે થયેલી સશસ્ત્ર મારામારીમાં બે વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. આ કેસ ભાવનગર કોર્ટમાં ચાલતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની તર્કબદ્ધ દલીલો દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ આર.ટી વચ્છાણીએ ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ સમગ્ર બનાવ અંગે ભાવનગર કોર્ટ પરિસરથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે રહેતા અને ખેતી સાથે સંકળાયેલા ગોરધન ગીગા ઉનાવા ઉ.વ.55 ને તેનાં જ કૌટુંબિક ભાઈઓ દેવરાજ જીણા ઉનાવા, જીતુ દેવરાજ ઉનાવા, રાજુ દેવરાજ ઉનાવા તથા વિપુલ બીજલ ઉનાવા સાથે કૌટુંબિક મનદુઃખ ચાલતું હતું. આ દરમિયાન કોઈ મોબાઈલની મેટર બાબતે ગત તા.13,4,2021ના રોજ દિનેશ રમેશ કૌશિક અને કનુ જીતુ દેવરાજને ઠપકો દેવા જતાં જીતુ દેવરાજ દેવરાજ જીણા રાજુ દેવરાજ અને વિપુલ બીજલે ઠપકો આપવા આવેલા ચારેય વ્યક્તિઓ પર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં રમેશ ગીગા ઉનાવાને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે કૌશિક તથા અન્યોને ગંભીર હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જયાં સારવાર દરમિયાન કૌશિકનું પણ મોત નિપજતાં ચારેય હુમલાખોરો વિરુદ્ધ બેવડી હત્યાનો ગુનો ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ કેસ ભાવનગર ડીસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં ન્યાયમૂર્તિ આર.ટી વચ્છાણીની કોર્ટમાં ચાલતા જજ આર.ટી વચ્છાણીએ લેખિત મૌખિક જુબાની દસ્તાવેજી પુરાવાઓ સાથે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારી વકીલ વિપુલ દેવમુરારીની તર્કબદ્ધ-ધારદાર દલીલો માન્ય રાખી આરોપીઓ દેવરાજ જીણા ઉનાવા તેનો પુત્ર જીતુ દેવરાજ તથા રાજુ ઉર્ફે અઘો દેવરાજ ઉનાવાને આઈપીસી કલમ 302, 307, 326, 324, 144 મુજબ કસુરવાર ઠેરવી વિવિધ કલમ હેઠળ આજીવન કેદની સજા સાથે આકરો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાથી અમૂક રકમ મૃતકના વાલી વારસદારોને આપવા કોર્ટે હુકમ કર્યો હતો તથા ચાર પૈકી એક આરોપી વિપુલ ઉર્ફે વિપો બીજલ ઉનાવાને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. આ સમગ્ર કેસની સુનવણી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી.