તો શું દેશ માટે આગામી ચાર દિવસ છે ભારે? : અત્યાર સુધીમાં કુલ ૩૫૨૩૭૪૬૧ લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૩૦ ટકા છે, જ્યારે સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૪.૨૭ % છે
નવી દિલ્હી,તા.૧૮
દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડાની સાથે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું સંક્રમણની ગતિ ધીમી થઈ રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ પણ સામે આવી રહ્યો છે કે, નિષ્ણાતો જાન્યુઆરીના અંતમાં કોરોના ચરમસીમાએ પહોંચવાની વાત કરી રહ્યા હતા, શું તેમના અનુમાન ખોટા હતા? જો નવા અંદાજો પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતમાં કોવિડ-૧૯ની પિક હવે ૨૩ જાન્યુઆરીએ આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન દેશમાં ૭ લાખથી વધુ કેસ આવવાની સંભાવના છે. ભારતમાં કોવિડ-૧૯ના એક દિવસમાં ૨,૫૮,૦૮૯ નવા કેસ નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૭૩,૮૦,૨૫૩ થઈ ગઈ છે. ચેપના કુલ કેસોમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ૮,૨૦૯ કેસ પણ સામેલ છે. સોમવારે સવારે ૮ વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશના ૨૯ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના ૮,૨૦૯ કેસ નોંધાયા છે. તેમાંથી ૩,૧૦૯ લોકો ચેપ મુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ગયા છે. ડેટા અનુસાર, ચેપનો દૈનિક દર ૧૯.૬૫ ટકા અને સાપ્તાહિક દર ૧૪.૪૧ ટકા નોંધાયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩,૫૨,૩૭,૪૬૧ લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-૧૯થી મૃત્યુદર ૧.૩૦ ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર ૯૪.૨૭ ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ’ઓમિક્રોન’ના સૌથી વધુ ૧,૭૩૮ કેસ છે, ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ૧,૬૭૨, રાજસ્થાનમાં ૧,૨૭૬, દિલ્હીમાં ૫૪૯, કર્ણાટકમાં ૫૪૮ અને કેરળમાં ૫૩૬ કેસ છે. નિષ્ણાતોના મતે, દરેક સંક્રમિત નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ શક્ય નથી. પરંતુ આ વર્તમાન તરંગમાં મોટાભાગના કેસ ઓમિક્રોનના છે. ૈૈંં્ કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં ભારતમાં કોવિડ-૧૯ની વર્તમાન લહેર લગભગ ખતમ થઈ જશે. ૈૈંં્ કાનપુરના સૂત્ર મોડલ અનુસાર, જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં દેશમાં કોરોના સંક્રમણ તેની ટોચ પર હશે. આ સાથે, નિષ્ણાત અને ૈૈંં્ કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલનું કહેવું છે કે, દેશના મેટ્રો સિટીને લઈને ફોર્મ્યુલા મોડલમાં કરવામાં આવેલા મૂલ્યાંકન યોગ્ય નથી. આની પાછળ તેણે દલીલ કરી હતી કે, કોરોના ટેસ્ટને લઈને નવી ગાઈડલાઈન્સને કારણે ટેસ્ટ ઓછા થઈ રહ્યા છે અને તેથી જ કેસ પણ ઓછા આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, ૧૫થી ૧૬ જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં કોરોના સંક્રમણનું પિક નોંધવામાં આવ્યું હતું. ગાણિતિક મોડલ મુજબ આ સમયે, રોજના ૪૫ હજાર દર્દીઓ આવવાના હતા. પરંતુ આ દરમિયાન સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨૮ હજારની નજીક રહી હતી.