અમદાવાદ,તા.૧૯
બીસીસીઆઇ દ્વારા આઇસીસી મહિલા વનડે વર્લ્ડ કપ માટે શૈલેન્દ્રસિંહ સોલંકી ની ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે નિમણૂંક કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. શૈલેન્દ્રસિંહ સોલંકી ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્ય છે. તેઓ ન્યુઝીલેન્ડ ખાતે રમાનાર આઇસીસી વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપ અને વન-ડે સિરીઝ માટે ટીમ સાથે મેનેજર તરીકે જોડાશે. ન્યુઝીલેન્ડ ખાતે ભારત વુમન્સ ક્રિકેટ ટીમ ૫ એપ્રિલ ૨૦૨૨ સુધી મેચ રમશે. તમને જણાવી દઈએ કે શૈલેન્દ્રસિંહ સોલંકી ગુજરાત ટીમમાંથી રણજી ક્રિકેટ રમી ચૂકેલા ખેલાડી છે.
ગુજરાતીઓ માટે એક મોટી ક્ષણ છે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર સિલેક્શન કમિટીના સભ્યને બીસીસીઆઇ દ્વારા ભારત વિમેન્સ ટીમના મેનેજર તરીકે વરણી કરવામાં આવી છે. આ ખુશીના પ્રસંગે તમામ હોદ્દેદારોએ શૈલેન્દ્રસિંહ સોલંકીને અભિનંદન પાઠવીને હર્ષની લાગણી અનુભવી છે. મહત્વનું છે કે, માર્ચ મહિનામાં ન્યુઝીલેન્ડમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ ત્યાં પાંચ વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ૧૫ સભ્યોની ટીમ અને ત્રણ રિઝર્વ ખેલાડીઓને મુંબઈ આવવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ ૬ માર્ચે પોતાની પ્રથમ મેચ રમશે, ૧૦ માર્ચે યજમાન ન્યુઝીલેન્ડ સામે સેડન પાર્ક હેમિલ્ટનમાં રમવાની છે. ૧૨ માર્ચે ભારતીય ટીમ ફરીથી સેડન પાર્કમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમશે. આ પછી તે તેની આગામી મેચ આ ટૂર્નામેન્ટના વર્તમાન વિજેતા ઈંગ્લેન્ડ સામે ૧૬ માર્ચે રમશે. ભારતે ફરીથી આ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૧૯ માર્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમવાનું છે. ભારત ૨૨ માર્ચે સેડન પાર્ક, હેમિલ્ટનમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. ૨૭ માર્ચે ભારતીય ટીમ ક્રાઈસ્ટ ચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે. સેમિફાઈનલ ૩૦-૩૧ માર્ચ અને ફાઈનલ ૩ એપ્રિલના રમાશે.