એક ઉદ્યોગના માલિક દ્વારા ગેરકાયદે રીતે તળાવમાં લાઈન નાખી થઈ રહી છે પાણીની ચોરી
ઘોઘા ગામમાં રો-રો ફેરી રોડ પર આવેલ સરતળાવમાંથી એક ઉધોગના માલિક દ્વારા ગેરકાયદેર રીતે તળાવના પાણીની ચોરી કરવામાં આવી રહી છે. તળાવના પાણીનો ઉપયોગ ગામલોકો કરી રહ્યા છે ત્યારે તેઓ તાત્કાલિક આ પાણી ચોરી બંધ કરાવવાની માગ કરી છે. ગામના જાગૃત નાગરિકો દ્વારા જયારે આ બાબતે તપાસ કરતા ઉધોગના માલિક દ્વારા ગેરકાયદેસર રીતે બાવળો અને ઝાડી ઝાંખરા વચ્ચેથી તળાવમાં સબમર્સીબલ મોટર મૂકી લગભગ 100 મીટર જેટલી લાંબી પાઇપ લાઈન લગાડીને પોતાના ઉદ્યોગ માટે આ પાણીનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘોઘા ગામના કુંભારવાડા,ભીલવાડા મફતનગર,મચ્છીવાડા જેવા અનેક વિસ્તારોના લોકો આ તળાવના પાણીનો ઉપયોગ કરે છે,એક તો ગામમાં 15 થી 20 દિવસે પીવાનું પાણી આપવામાં આવે છે.
ઘોઘા ગામના મોટા ભાગના વિસ્તારોના લોકો આ તળાવમાંથી પાણી ભરી અને ઉપયોગ કરે છે જયારે બીજી તરફ ઉદ્યોગ માલિક દ્વારા પોતાના ઉદ્યોગ માટે પાણીની ચોરી કરવામાં આવી રહી છે,તળાવમાંથી પાણીની ચોરીથી તળાવનું પાણી ઓછું થઇ રહ્યું છે, ચોમાસાની સિઝનમાં એક તો માંડ માંડ આ તળાવ ભરાય છે,જેથી ગામના લોકો બારેમાસ આ તળાવના પાણીનો ઉપયોગ કરી શકે છે ત્યારે પાણી ચોરીને પગલે જળ સંકટ ઘેરું બને તેવી ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે.
તળાવમાંથી પાણી ચોરી કરનાર ઈસમો રાજકીય લાગવગ વાળા હોય જેથી તેઓ બેફામ અને બેખૌફ બનીને બિન્દાસ્ત થઇ ગેરફાયદો ઉઠાવી આ પાણીનો ઉપયોગ પોતાના ઉદ્યોગ માટે કરી રહ્યા છે,આ ઉદ્યોગ બન્યો તેને આશરે બે વર્ષ જેવો સમય થયો છે ત્યારે ઉદ્યોગ માલિક પર લગત તંત્ર દ્વારા વહેલી તકે કડકમાં કડક પગલાં લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરે તેવી સ્થાનિકોએ માગ કરી છે.