સુરતમાં બસમાં લાગેલી આગમાં પત્નીના મોત બાદ પતિએ કહ્યું- બસમાં મોટી સંખ્યા પાર્સલના કારણે આગ વિકરાળ બની
સુરતથી ભાવનગર જવા નીકળેલી રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગતા બસ ઘડીભરમાં આગની લપેટમાં આવી ગઈ હતી. આ બનાવમાં ભાવનગરનું નવયુગલ ભોગ બન્યું છે જે પૈકી પરીણિતા ઘટના સ્થળે જ ભડથું થઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જયારે તેના પતિ પણ ગંભીર રીતે દાજી જતા હાલ હોસ્પિટલની બિછાને છે. આ ઘટનાથી ભારે અરેરાટી સાથે આઘાત છવાઈ ગયો હતો.આ સમગ્ર બનાવ કઈ રીતે બન્યો તે અંગે ઘાયલ યુવકે પોતાની આપવીતી જણાવી હતી. બે દિવસ પહેલાં સુરતના હીરાબાગ ખાતે ખાનગી ટ્રાવેલ્સની બસ કોઈ કારણોસર સળગી હતી, જેમાં બેઠેલા મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા પરંતુ ભાવનગરના વિશાલભાઈ નારણભાઈ નવલાંની તેમજ તેમના પત્ની તાન્યા બેન આગ લાગવાના કારણે બસમાં ફસાયા હતા. વિશાલભાઈ બસની બારી નો કાચ તોડી બસમાંથી કૂદી પડયા હતા. પરંતુ તેમના પત્ની તાન્યાબેન બારીમાંથી બહાર નીકળતા કાચમાં કપડા ફસાઈ જતા તેઓ બારી માં ફસાઈ ગયા હતા અને તેઓ ગંભીર રીતે દાઝી જતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને ભાવનગરના રસાલા કેમ્પ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું હતું. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા. ભાવનગરમાં સારવાર લઈ રહેલા વિશાલે પોતાના સાથે બનેલા બનાવની આપવીતી જણાવી હતી. વિશાલે કહ્યું હતું કે, જે બસમાં આગ લાગી તે બસ એસી નહીં પણ નોન એસી હતી. બસમાં રાખવામાં આવેલા પાર્સલના કારણે આગ વિકરાળ બની હોવાની વાત કરી હતી.