આંદોલનમાં સક્રિય રહી ફરજ-કાયદાનું ઉલ્લંઘન કરતાં મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી ફરિયાદ દાખલ કરાઈ
મૂળ અમદાવાદની વતની મહિલા કોન્સ્ટેબલને આંતર જિલ્લા બદલીમાં ભાવનગર શહેરના સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ માટે મુકવામાં આવી હતી. પરંતુ ફરજના સ્થળે હાજર ન થઈ પોલીસ પરીવાર દ્વારા ચલાવાઈ રહેલા આંદોલનમાં સક્રિય રહી પોતાની ફરજ-કાયદાનું ઉલ્લંઘન કરતાં મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેના વિરુદ્ધ ભાવનગર સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં બે માસ પૂર્વે પોલીસ જવાનો દ્વારા ગ્રેડ-પે, કામનાં કલાકો નિર્ધારિત કરવા સહિતનાં મુદ્દે ચળવળ શરૂ કરતાં ગણતરીના દિવસોમાં જ આ મુદ્દે ભડકેલી રાજ્ય સરકારે આંદોલનને ડામી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વિવાદ વકરે એ પૂર્વે આ મુદ્દે સરકારે એક કમિટીની રચના કરી આંદોલન કર્તાઓ પાસે બે માસના સમય સાથે પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલની હૈયાધારણા આપી હતી દરમ્યાન જેતે સમયે આ આંદોલનમાં અમદાવાદ-નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નિલમ ડાયાભાઇ મકવાણાની પણ જોડાઈ હતી અને આ આંદોલનમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. જેથી અમદાવાદ પોલીસે આંદોલનમાં જોડાયેલા પોલીસ કર્મીઓની આંતરીક જિલ્લા બદલીઓ કરી હતી. જેમાં નિલમ મકવાણાની પણ નવરંગપુરા પોલીસ મથકેથી કે કંપનીમાં અને ત્યારબાદ ગત તા. 25 નવેમ્બર, 2021ના રોજ ભાવનગર શહેરમાં સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ આ મહિલા કોન્સ્ટેબલ બદલીના સ્થળે હાજર થઈ ન હતી અને પોલીસ આંદોલનને વળગી રહી હતી. દરમ્યાન રાજ્ય સરકારની કમિટીએ માંગેલી બે માસની અવધિ સમાપ્ત થઈ ગઈ હતી. ઉપરાંત દસ દિવસ વિતતાં પોલીસ પરિવારની મહિલાઓ દ્વારા પુનઃ આ લડત મુદ્દે ધરણાં યોજવા ગાંધીનગર જતાં પોલીસ દ્વારા જ આ આંદોલનકારીઓને ડીટેઈન કરવામાં આવ્યા હતાં. જેમાં કોન્સ્ટેબલ નિલમને ડીવાયએસપી રાણાએ લાફો માર્યો હોવાની વાત લેડી કોન્સ્ટેબલે સોશ્યિલ મિડીયામાં વાઈરલ કરેલા વિડિયોમાં જણાવી હતી. વધુમાં આ વિડીયોમાં તેણીએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર દાવા કરે છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે, પરંતુ ન્યાયીક માંગ માટે બળવો કરતી સુરક્ષા કર્મીને ઉચ્ચ અધિકારી ધમકાવે લાફો મારે ત્યારે ખુદ સુરક્ષા કર્મી જ સુરક્ષિત ન હોય તો આમ પ્રજાનું શું…?!” જેથી આ અંગે ભાવનગર પોલીસે મહિલા પોલીસ કોન્સ્ટેબલ નિલમ મકવાણા વિરોધ શિસ્તભંગની ફરિયાદ દાખલ કરી પોલીસ મથકે હાજર થવા નોટિસ ફટકારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.