મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ’આઝાદી કે અમૃત મહોત્સવ સ્વર્ણિમ ભારત કી ઔર’ કાર્યક્રમની શરૂઆત કરી
નવીદિલ્હી,તા.૨૦
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ’આઝાદી કે અમૃત મહોત્સવ સ્વર્ણિમ ભારત કી ઔર’ કાર્યક્રમની શરૂઆત કરી. આ દરમિયાન કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા અને રાષ્ટ્રના સપના એક જ છે. એક નવી સવાર થવાની છે. જ્યારે સંકલ્પ સાથે સાધના જોડાઈ તો કાળખંડ બનવું નિશ્ચિત છે. તેમણે કહ્યું કે ગમે તેટલું અંધારું કેમ ન છવાય, ભારત મૂળ સ્વભાવ છોડતો નથી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા ’આઝાદી કે અમૃત મહોત્સવ સ્વર્ણિમ ભારત કી ઔર’ કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ભારત માટે ભાવના પણ છે, સાધના પણ છે. તેમાં દેશ માટે પ્રેરણા પણ છે, બ્રહ્મકુમારીઓના પ્રયાસ પણ છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રની પ્રગતિમાં જ આપણી પ્રગતિ છે. આપણાથી જ રાષ્ટ્રનું અસ્તિત્વ છે અને રાષ્ટ્રથી જ આપણું અસ્તિત્વ છે. આ ભાવ, આ બોધ નવા ભારતના નિર્માણમાં આપણે ભારતવાસીઓની સૌથી મોટી તાકાત બની રહ્યો છે. આજે દેશ જે કઈ કરી રહ્યો છે તેમાં બધાના પ્રયાસ સામેલ છે. પીએમ મોદીએ કહ્યું કે આજે અમે એક એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ જેમા ભેદભાવની કોઈ જગ્યા ન હોય. એક એવો સમાજ બનાવી રહ્યા છીએ જે સમાનતા અને સામાજિક ન્યાયના પાયા પર મજબૂતાઈથી ઊભો હોય. આપણે એક એવું ભારત ઉભરતા જોઈ રહ્યા છીએ, જેની સોચ અને એપ્રોચ નવા છે અને જેના નિર્ણય પ્રગતિશીલ છે. તેમણે કહ્યું કે દુનિયા જ્યારે અંધકારના દોરમાં હતી, મહિલાઓને લઈને જૂની સોચમાં જકડાયેલી હતી, ત્યારે ભારત માતૃશક્તિની પૂજા, દેવીના સ્વરૂપમાં કરતું હતું. આપણા ત્યાં ગાર્ગી, મૈત્રેયી, અનસૂયા, અરુંધતિ, અને મદાલસા જેવી વિદુષિઓ સમાજને જ્ઞાન આપતી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે મુશ્કેલીઓથી ભરેલા મધ્યકાળમાં પણ આ દેશમાં પન્નાધાય અને મીરાબાઈ જેવી મહાન નારીઓ થઈ. અમૃત મહોત્સવમાં દેશ જે સ્વાધીનતા સંગ્રામના ઈતિહાસને યાદ કરી રહ્યો છે તેમા પણ કેટલીય મહિલાઓએ પોતાના બલિદાન આપ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે કિત્તુરની રાણી ચેનમ્મા, મતંગિની હાજરા, રાણી લક્ષ્મીબાઈ, વીરાંગના ઝલકારી બાઈથી લઈને સામાજિક ક્ષેત્રમાં અહિલ્યાબાઈ હોલ્કર તથા સાવિત્રીબાઈ ફૂલે સુધી, આ દેવીઓએ ભારતની ઓળખ બનાવી રાખી. આજે દેશ લાખો સ્વાધિનતા સેનાનીઓની સાથે નારી શક્તિના યોગદાનને યાદ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળનો આ સમય આપણા જ્ઞાન, શોધ અને ઈનોવેશનનો સમય છે. આપણે એક એવું ભારત બનાવવાનું છે જેના મૂળિયા પ્રાચીન પરંપરાઓ અને વારસા સાથે જોડાયેલા હશે અને જેનો વિસ્તાર આધુનિકતાના આકાશમાં અનંત સુધી થશે. તેમણે કહ્યું કે દેશના લોકતંત્રમાં પણ મહિલાઓની ભાગીદારી વધી છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પુરુષો કરતા વધુ મહિલાઓએ મતદાન કર્યું. આજે દેશની સરકારમાં મોટી મોટી જવાબદારીઓ મહિલા મંત્રીઓ સંભાળી રહ્યા છે. હવે સમાજ આ બદલાવનું નેતૃત્વ પોતે કરી રહ્યો છે.