વિદ્યાર્થીઓના વિકાસ માટે રૂ.1.30 લાખનો ખર્ચ કર્યો
G.C.E.R.T ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર આજે સિદસર ખાતે યોજાયો હતો. આ ઇનોવેશન ફેરમાં પ્રાથમિકના 37 માધ્યમિકના 2 શિક્ષકો મળીને કુલ 39 શિક્ષકો દ્વારા શિક્ષણક્ષેત્રમાં તેમણે કરેલાં પ્રયોગો વિશેનું પ્રદર્શન અને નિદર્શન રજૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ ભરતસિંહ ગોહિલે આ ‘એજ્યુકેશન ઇનોવેશન ફેર’ને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્ર એ સતત બદલાતુ ક્ષેત્ર છે. વર્ષો વર્ષ તેમાં સુધારા લાવવાં જરૂરી છે. બદલાતા વર્તમાન પ્રવાહો સાથે તેમાં પણ નવીનતા લાવવી જરૂરી છે. તેમાં નવીનતા લાવવાથી બાળકોની રસ-રુચિ શિક્ષણ પ્રત્યે વધારી શકાય છે. આ ઇનોવેશન ફેરમાં જિલ્લા કક્ષાએ પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથા ચાવડા પોતાનું નૂતન ઇનોવેશન ‘શેરી ઓટલે શાળા’ રજૂ કર્યું હતું. કોરોના કાળ દરમિયાન શાળા શિક્ષણ બંધ હતું. તે દરમિયાન ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથા ચાવડાએ વિદ્યાર્થીઓના ઘર અથવા તો તેમના વિસ્તારમાં જઇને શેરી તેમજ ઓટલા પર જઈને શિક્ષણ પૂરું પાડ્યું હતું અને આ રીતે તેમની શાળાના બાળકોનું શિક્ષણકાર્ય કોરોનામાં પણ અટક્યું ન હતું.
પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ ક્ષેત્રે નવતર પ્રયોગ કરેલા શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દર વર્ષે એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજે છે. જેમાં નાથા ચાવડા સતત સાત વર્ષથી ભાગ લઈ રહ્યાં છે. નાથાભાઈ પોતાના સમય દાન અને આર્થિક ખર્ચ સાથે પોતાના ઇનોવેશન પાછળ અત્યાર સુધી સાત વર્ષમાં શાળા સમય બાદ અને વેકેશન સહિત 10 હજાર કલાકનું યોગદાન આપી ચૂક્યાં છે.
પોતાની શાળા અને બાળકોના સર્વાંગીણ વિકાસ માટે ઇનોવેશન પાછળ તેઓએ અત્યાર સુધી રૂપિયા 1.30 લાખનો ખર્ચ કરી આદર્શ શિક્ષક કેવો હોવો જોઈએ તેનું ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના કરેલા કાર્યો પર એક નજર નાખીએ તો તેમણે વર્ષ 2015-16 માં શાળામાં પ્રજ્ઞા કુટીર બનાવી ઓરડાની ઘટને પહોંચી વળવા પ્રથમ ઇનોવેશન હાથ ધર્યું હતું. બાળકોને ભાર વગરના ભણતર માટે ‘પાકું કરો- ઇનામ જીતો’ એ બીજું ઇનોવેશન હતું. શાળામાં સ્વચ્છતા માટે ‘મારી શાળાની સફરે’ નામનું ઇનોવેશન હાથ ધર્યું હતું. તેમણે વર્ષ: 2018-19 માં કરેલું ‘વિદ્યા ક્લિનિક’ નામનું ઇનોવેશન રાજ્ય કક્ષાએ પણ પસંદગી પામ્યું હતું. બાળકોમાં રહેલી સુષુપ્ત કળા બહાર લાવવાં માટે ઇનોવેટિવ ‘રવિ મંડળ’ નામનું ઇનોવેશન રવિવારના દિવસે બાળકો દ્વારા કરેલ પ્રવૃત્તિને ઉજાગર કરે છે. કોરોના મહામારીમાં બાળકોનો અભ્યાસ શરુ રહે તે માટે ખાટકીવાસના મદરેસામાં ‘શાળા બંધ છે, શિક્ષણ નહીં’ ના નામથી શિક્ષણની જ્યોત કોરોનામાં પણ પ્રજ્વલિત રાખી હતી. ‘શેરી ઓટલે શાળા’ નામના ઇનોવેશન દ્વારા જે બાળકોને ઓનલાઇન શિક્ષણ મેળવવામાં તકલીફ પડતી હતી તેવાં બાળકો માટે બાળકોના ઘરે જઈ અને શિક્ષણ આપવાનું કામ કર્યું હતું. આમ, રાજ્ય સરકાર દ્વારા યોજાતાં ઇનોવેશન ફેરનો સદઉપયોગ કરીને નાથા ચાવડાએ શિક્ષણ ક્ષેત્રે પ્રમાણમાં પાછળ એવાં પાલીતાણા વિસ્તારની શાળામાં બાળકોના સર્વાંગીણ વિકાસ માટે કરેલ પ્રયત્ન ખરેખર બિરદાવવા લાયક અને રાજ્યના અન્ય શિક્ષકોને પણ પ્રેરણા આપનારો છે.
Home Uncategorized ભાવનગર જિલ્લાના શિક્ષકોએ શિક્ષણક્ષેત્રમાં તેમણે કરેલાં પ્રયોગો વિશેનું પ્રદર્શન અને નિદર્શન રજૂ...