વલ્લભીપુર તાલુકા મંડળની બેઠકમાં બે ગામના તલાટી મંત્રીએ સરકારી કર્મીની ગાઈડલાઈન તોડી : સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ થતા ચકચાર
ભારતીય જનતા પાર્ટીની તાલુકા મથકની ગુરુવારે બેઠક યોજાઇ હતી. વલ્લભીપુર તાલુકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલના ફાર્મહાઉસ પર યોજાયેલી આ બેઠકમાં તાલુકાના બે ગામોમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પંકેશભાઈ સાંકળીયાએ ભાજપનો ખેસ પહેરી પ્રથમ હરોળમાં હાજરી આપતા વિવાદના વમળો સર્જાયા છે. આવનારી ૨૫ જાન્યુઆરીના દિવસે ભાજપ પેઝ સમિતિના સભ્યો સાથે વડાપ્રધાન મોદીનો સંવાદ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે વલ્લભીપુર તાલુકા ભાજપ કાર્યકરોને માર્ગદર્શન આપવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મહિલા મોરચાના પ્રમુખ નિધિબેન સાકળીયાના પતિ અને નવાગામ ગાયકવાડી ગ્રામ પંચાયત તથા હળીયાદ ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પંકેશ સાકળીયા ભાજપનો ખેસ પહેરી ઉપસ્થિત રહેતા ઘેરો વિવાદ સર્જાયો છે. ભાજપ હવે ખુલ્લેઆમ સરકારી કર્મચારીઓ, અધિકારીઓની મદદ પાર્ટી માટે લઈ રહ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારી કોઈપણ રાજકીય પક્ષ માટે સમર્પિત છે એવું જાહેરમાં પ્રદર્શિત કરી શકતા નથી. આ જાણકારી તલાટી મંત્રીને ન હોય એવું શક્ય નથી. આમ છતાં સાકળીયા ભાજપનો ખેસ પહેરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોવાથી વિવાદ સર્જાયો છે. એ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે ટી.ડી.ઓ કે ડી.ડી.ઓ સાકરીયા સામે દંડનાત્મક પગલાં ભરે છે કે કેમ?