ઈન્ડિયા ગેટ પર મૂકાશે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા :મોદી

97

ગ્રેનાઈટથી બનેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, જે તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતિક હશે
નવી દિલ્હી, તા.૨૧
દેશની રાજધાનીમાં ઈન્ડિયા ગેટ પર મહાન સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે. ઈન્ડિયા ગેટ પર ગ્રેનાઈટથી બનેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા મૂકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને કહ્યું કે એવા સમયે કે જ્યારે આખો દેશ નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જયંતી ઉજવી રહ્યો છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. જે તેમના પ્રત્યે ભારતના ઋણી હોવાનું પ્રતિક હશે. પીએમ મોદીએ અન્ય એક ટ્‌વીટમાં લખ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની વિશાળ પ્રતિમા તૈયાર ન થઈ જાય ત્યાં સુધી તે જગ્યાએ એક હોલોગ્રામ પ્રતિમા લગાવવામાં આવશે. નેતાજીની જયંતીના દિવસે ૨૩ જાન્યુઆરીએ હું હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. અત્રે જણાવવાનું કે ઈન્ડિયા ગેટ પર છેલ્લા ૫૦ વર્ષથી પ્રગટી રહેલી અમર જવાન જ્યોતિને આજે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રગટે છે તે જ્યોતિમાં વિલય કરવામાં આવશે. જેનો અર્થ એ છે કે ઈન્ડિયા ગેટ પર હંમેશા પ્રજ્વલિત રહેતી અમર જવાન જ્યોતિની મશાલ હવે ૫૦ વર્ષ બાદ હંમેશા માટે નેશનલ વોર મેમોરિયલની મશાલ સાથે મિલાવી દેવાશે. અમર જવાન જ્યોતિની સ્થાપના તે ભારતીય સૈનિકોની યાદમાં કરાઈ હતી જે ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો અને બાંગ્લાદેશની રચના થઈ હતી. તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ ૨૬ જાન્યુઆરી ૧૯૭૨ના રોજ તેનું ઉદ્ધાટન કર્યું હતું. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે આ અમર જવાન જ્યોતિનું શુક્રવારે બપોરે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પ્રજ્વલિત રહેલી જ્યોતિમાં વિલય કરી દેવાશે જે ઈન્ડિયા ગેટથી ૪૦૦ મીટર દૂર છે. અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું ઉદ્‌ઘાટન કર્યું હતું. જ્યાં ૨૫,૯૪૨ સૈનિકોના નામ સુવર્ણ અક્ષરે લખેલા છે.

Previous articleછેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ના ૩૪૭૨૫૪ નવા કેસ નોંધાયા
Next articleનરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા સાબિત થયા