ગુરૂ આશ્રમોમાં પ્રસાદ વિતરણ, રાત્રી સંતવાણી અને નગરયાત્રા સહિતના કાર્યક્રમો મોકૂફ
ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે શનિવારે બજરંગદાસ બાપાની 45મી પુણ્યતિથિની સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આજે શનિવારે શહેર-જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે બાપાની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી, મંદિરને ભવ્ય રોશનીથી શણગારી સવારે બાપાની આરતી, ધ્વજપૂજન, ગુરુ પૂજન અને દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
બે વર્ષથી ચાલતી કોરોનાની મહામારીને પગલે તમામ ધાર્મિક સ્થાનો પર ઉત્સવોની ઉજવણીમાં નોંધપાત્ર ફેરફારો થયા છે. ત્યારે સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે ભાવનગર શહેર-જિલ્લામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે જગ વિખ્યાત સંત શિરોમણી પૂ. બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેમની પુણ્યતિથિની ઉજવણી તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં કરાઈ હતી. પૂજ્ય બાપાના ભક્તો સમગ્ર કાર્યક્રમના ઓનલાઈન દર્શન કરી શકે તે માટે લાઈવ ટેલીકાસ્ટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આશ્રમ સત્તાવાળાઓ દ્વારા પણ ભક્તોને ઓનલાઈન દર્શન માટે અનુરોધ કરાયો છે. નોંધનીય છે કે મોટા ભાગના ગુરૂ આશ્રમોમાં પ્રસાદ વિતરણ તથા રાત્રી સંતવાણી અને નગરયાત્રા સહિતના કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.