હિન્દુ શાસ્ત્રના અનેક મહાપર્વ પૈકી એક આસો સુદ નવરાત્રી વર્તમાન સમયે નવરાત્રીના નવ પૈકી ત્રણ દિવસ પસાર થઈ ચૂક્યા છે. ત્યારે લોકોમાં નવરાત્રી પર્વને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે.
આ વર્ષે ખાસ કરીને શહેરમાં શેરી, સોસાયટી, ફલેટ વગેરે જગ્યાઓ પર યોજાતા જાહેર આયોજનોમાં લોકોની ભીડ સૌથી વધુ જોવા મળી રહી છે. મહિલા કોલેજ સર્કલ સરદારનગર, ભરતનગર, આનંદનગર કુંભારવાડા, હાદાનગર, મેપાનગર, ક.પરા, ચિત્રા, રેલ્વે કોલોની સહિતના સ્થળોપર વર્ષોથી યોજાતા આયોજનોમાં આયોજકો દ્વારા તન તોડ મહેનત થકી સુંદર આયોજન લોકો માટે વિના મુલ્યે કર્યા છે જેમાં ગરીબ તથા મધ્યમવર્ગના લોકોની મહિલાઓ યુવતીઓની સૌથી વધુ સંખ્યા જોવા મળી રહી છે. એ સાથે જિલ્લાના ગામડાઓમાં પણ દેશી ગરબી, ભવાઈ, આખ્યાન જેવા લોક કાર્યક્રમો વર્ષો બાદ પણ પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. આવા કાર્યક્રમોને માણવા લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે.
તો બીજી તરફ ભાવનગર જિલ્લાના ઉંચા કોટડા, ભવાની મંદિર મહુવા, મોગલધામ ભગુડા રાજપરા ખોડીયાર સિહોર સ્થિત સિહોરી માતાના ધામ જેવી સૌરાષ્ટ્રની શક્તીપીઠો ખાતે ચોવીસ કલાક ભાવિક ભક્તો શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ દર્શન માટે ઉમટી રહ્યો છે. આ નવરાત્રીને લઈને આ સ્થળોપર યાત્રીકો માટે દર્શન, ભોજન, પ્રસાદ તથા ઉતારા, પૂજા, માટે સંચાલકો ટ્રસ્ટીગણ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
તળાજા નજીકના ઉંચા કોટડા સ્થિત ચામુંડા માતાના મંદિર ખાતે પ્રતિદિન ૨૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓ માતાના દર્શન, પ્રસાદનો લ્હાવો લઈ પાવન થઈ રહ્યા હોવાનું મંદિર પરિસર દ્વારા જાણવા મળ્યુ છે. તો એ જ રીતે વિશ્વ પ્રસિધ્ધ રાજ રાજેશ્વરી અને ગોહિલવાડ સ્ટેટના આરાધ્યદેવીમાં ખોડીયાર (રાજપરા)ખાતે પણ માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશ વિદેશથી મોટી સંખ્યા માઈભક્તો વાહનો તથા પગપાળા દર્શને પધારી રહ્યા છે રવિવારે દોઢ લાખથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન અર્થે પધાર્યા હોવાનું જાણવા મળ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ખોડીયાર મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ જગ્યાનો ખુબ સારો વિકાસ કરવામાં આવ્યો છે. જેને લઈને આ સ્થાન લોક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યુ છે.
ત્રણ ગામોમાં રાત પડેને શ્રધ્ધાળુઓનો દિવસ ઉગે
ભાવનગર જિલ્લાના ભંડારીયા, થોરડી તથા મહુવા તાલુકાના સેંદરડા ગામે પ્રતિવર્ષ નવરાત્રી અનોખા મહાત્મય સાથે ઉજવવામાં આવે છે નવ દિવસ દરમિયાન આ ત્રણ ગામોમાં ભક્તો દ્વારા માતાના ગુણગાન, ગાવા સાથે ઐતિહાસિક કથાઓ આધારીત રામાયણ, નાટકો સહિતના વેશ ભજવવામાં આવે છે રાજવીકાળથી પ્રસિધ્ધ આ જગ્યાઓમાં ભવાઈ-વેશ નિહાળવા તથા માતાના સ્વાંગના દર્શનનો લ્હાવો લેવા અર્થે મોટી સંખ્યામાં લોકો આવે છે આ ગામોમાં ગામ સમસ્ત દ્વારા નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવે છે.