પાનવાડી વિસ્તારમાં મોડી રાત્રે ૬ શખ્સોએ તીક્ષ્ણ હથિયારો સાથે ત્રણથી ચાર લોકો પર હુમલો કર્યો : હુમલામાં એકની હત્યા ઉપરાંત બે યુવાનને ઈજા પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં ફઈની છોકરીના લગ્ન પ્રસંગમાં આવેલા મામાના દીકરાની ૬ શખ્સોએ હત્યા કરી દેતા લગ્ન પ્રસંગની ખુશીનો માહાલો માતમમા ફેરવાયો હતો. પાનવાડી વિસ્તારમાં આવેલા જૂની ચૌહાણ ફળીમાં ફઈની દીકરીના લગ્ને પ્રસંગે પાલીતાણાથી આવેલા પરિવારના બે ભાઈઓ તથા કાકાના દીકરાઓ પર તે જ વડવા પાનવાડી વિસ્તારના ૬ શખ્સોએ ઘોકા, પાઈપ તથા છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મામાનો દીકરા સુરેશની કરપીણ હત્યા કરી શખ્સો પલાયન થઈ ગયા હતા. જ્યારે બે ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આમ, લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિરેન નીતિનભાઈ ચૌહાણે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, પાલીતાણાના પાંજરાપોળ પાસે રાધાકૃષ્ણના મંદિર પાસે અમે પરિવાર સાથે રહીએ છીએ, હું હીરા ઘસવાનો વ્યવસાય કરું છું, ગઈ તા.૨૦/૧/૨૦૨૨ ના રોજ પાલીતાણાથી ભાવનગર મારા ફઈની દીકરીના લગ્ન પ્રસંગ અર્થે આવ્યા હતા, જેમાં ગઈકાલે મોડીરાત્રે દાંડિયારાસ પૂર્ણ કરી ઘરની બહાર અમે ભાઈઓ બેઠા હતા. આ દરમિયાન નિકુંજ નટુભાઈ કામ્બડ આવી અને તમે અહિં કેમ બેઠા છો તેમ કહી મારા કાકાના છોકરા નીરવને લાફો મારી કોળી જ્ઞાતિની વાડી બાજુ જતો રહ્યો હતો. ફઈની દીકરીના લગ્નનો જમણવાર પણ કોળી જ્ઞાતિની વાડીમાં રાખ્યો હોવાથી અમે ત્યાં જઈ ઘર તરફ પરત ફરતા હતા, પછી રાત્રે પોણા અગિયાર વાગે મેલડીમાંના મંદિર પાસે પાંચથી છ શખ્સો બે મોટરસાયકલમાં તીક્ષ્ણ હથિયારો ઘોકા, પાઈપ તથા છરી જેવા ઘાતક હથિયારો સાથે ઘસી આવી અમારા બધા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ નિકુંજ નટુભાઈ કામ્બડે પોતાની પાસે રહેલી છરીનો ઘા મારા કાકાના દીકરાને કપાળના ભાગ ઝીંક્યો હતો. આ દરમિયાન મારા મોટાભાઈ સૂરજ તેને બચાવવા વચ્ચે પડતા નિકુંજનો ભાઈ પાર્થે મારાભાઈને છાતીના ભાગે છરીના ઘા મારતા લોહી લુહાણ કરી નાખ્યો હતો. જેથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ અમારા ઘરના બહેનો આવતા આ શખ્સો દ્વારા એમને પણ માર મારવા લાગ્યા હતા. પછી બધા ભેગા થઈ જતા તેઓ ભાગી ગયા હતા. જે બાદ મને તથા મારા કાકાના દીકરા વિશાલને લોહી લુહાણ હાલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મૂર્તકના ભાઈએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નિકુંજ નટુભાઈ કામ્બડ, પાર્થ નટુભાઈ કામ્બડ, અજય ઉર્ફે અજુ મારવાડી, હિતેષ દામજીભાઈ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે આઈપીસી ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.
આ ઘટના ને લઈ ભાવનગર એએસપી સફિન હસન, નિલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ.ભાચકન તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.