કુદરતનું ઋતુ ચક્ર આપમેળે સમર મુજબ કામ કરે છે પરંતુ આ ઋતુચક્રમાં વાતાવરણ મહત્વનો ભાગ ભજવે છે ફળોના રાજા કેરીની સિઝનના આગમનને હજું ઘણી વાર છે પરંતુ આંબાઓ પર મોર સોળેકળાએ ખીલી ઉઠ્યો છે બાગાયત ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે આંબાઓ પર વહેલો મોર આવ્યો છે આથી કેરીની સિઝન વહેલી શરૂ થવાની શક્યતા છે. બારમાસી ફળોમાં લગભગ આબાલવૃદ્ધ સૌવ કોઈ નું મનપસંદ અને માનિતુ ફળ એટલે કેરી કેરી ફળનું પિયર જૂનાગઢ જિલ્લો માનવામાં આવે છે પરંતુ રાજાશાહી ના કાળમાં ગોહિલવાડમાં પણ જૂનાગઢ જિલ્લાની માફક “જમાદાર” કેરી ઉત્પાદનનું મુખ્ય પીઠુ ગણાતું હતું વડીલો આજેપણ જમાદાર કેરીના વખાણ કરતાં થાકતા નથી એવી એ પ્રખ્યાત જમાદાર કેરીની ખેતી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં મોટા પ્રમાણમાં ફૂલીફાલી હતી પરંતુ કાળાંતરે વિષમ આબોહવા પાણીની અછત-સમસ્યા સાથે ખેડૂતો બાગાયત ખેતીને બદલે અન્ય ખેતી તરફ વળતા ભાવનગર જિલ્લામાં જમાદાર કેરીનો સૂર્યાસ્ત થયો પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોએ વિસરાયેલી જમાદાર કેરીને ફરી બજારમાં મૂકવા સાથે ખોવાયેલી ખ્યાતિ પુનઃ અકબંધ કરવા કમ્મર કસી છે અને એ બાબતમાં નોંધપાત્ર સફળા પણ મળી રહી છે ત્યારે મૂળ વાત કેરી ફળની જ કરીએ તો દર વર્ષે જાન્યુઆરી માસનાં ઉતરાર્ધથી આંબા પર મોર – ફૂલ બેસવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે આંબા પર વહેલો મોર આવ્યો છે અને કેસર કેરીના આંબાઓ પર મગ કરતાં થોડી મોટી સાઈઝની નાની કેરી જેને તળપદી ભાષામાં “ખાખ્ઠી” કહેવામાં આવે છે એ કેરી દેખાઈ રહી છે ઉપરાંત ભાવનગર જિલ્લામાં આવેલ સોસીયા જેસર મહુવા પાલીતાણા તેમજ તળાજા તાલુકાના કેટલાક ગામડાઓમાં આવેલ આંબાના બગીચાઓમાં કેરીનો મોર મઘમઘી રહ્યો છે. આ અંગે બાગાયત ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂત અને સોશીયા ગામના વતની ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કેરી ની ખેતીમાં આ વર્ષે મોર બેસવાની પ્રક્રિયા વહેલી જોવા મળી રહી છે ઉપરાંત જો વાતાવરણ અનુકૂળ રહેશે તો જે સમયે કેરી માર્કેટમાં આવે છે એના બદલે એક માસ અગાઉ કેરી માર્કેટમાં આવી જશે અને કેરી નું ઉત્પાદન પણ વધુ થાય એવી સંભાવના છે પરંતુ જો આગામી દિવસોમાં માવઠું કે વાદળછાયું વાતાવરણ થાય અથવા અતિશય ઠંડી કે ગરમી અગર પવન ઉડે તો કેરી ના પાકને વ્યાપક નુકશાન થવા સાથે હાલની ધારણા ખોટી પણ પડી શકે છે ત્યારે કુદરત આવી અવિરતપણે કૃપા અકબંધ રાખે એવી પ્રાર્થના કરીએ.