૧૭ વર્ષીય મિરામ તારનના રૂપમાં ઓળખાતો યુવક ૧૮મી જાન્યુઆરીએ કથિત રીતે લાપતા થઈ ગયો હતો, જલદી ભારતમાં થશે વાપસી : ભારતીય સેના
નવી દિલ્હી, તા.૨૩
અરૂણાચલ પ્રદેશનો યુવક જે પોતાના ગામથી લાપતા થઈ ગયો હતો, તેને ચીની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ શોધી લીધો છે. ભારતીય સેનાએ રવિવારે તેની જાણકારી આપી છે. તેજપુરના પીઆરઓ લેફ્ટિનેન્ટ કર્નલ હર્ષવર્ધન પાંડાએ એક નિવેદનમાં કહ્યુ- ચીની સેનાએ અમને જણાવ્યું છે કે તેમણે અરૂણાચલ પ્રદેશનો એક લાપતા યુવક મળી ગયો છે. તેની વાપસીને લઈને યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અરૂણાચલ પ્રદેશના સિયુંગલાના લુંગટા જોર વિસ્તારમાં રહેનાર ૧૭ વર્ષીય મિરામ તારનના રૂપમાં ઓળખાતો યુવક મંગળવાર ૧૮ જાન્યુઆરીએ કથિત રીતે લાપતા થઈ ગયો હતો. અરૂણાચલ પ્રદેશથી સાંસદ તાપિર ગાઓએ ૧૯ જાન્યુઆરીએ કહ્યુ હતુ કે ચીની સૈનિકોએ રાજ્યમાં ઉપરી સિયાંગ જિલ્લાથી ૧૭ વર્ષના એક બાળકનું અપહરણ કરી લીધુ છે. ગાઓએ કહ્યુ હતુ કે ગુમ થયેલા કિશોરની ઓળખ તિરામ તરોનના રૂપમાં થઈ છે. તેમણે કહ્યું હતું કે ચીની સેનાએ સિયુંગલા ક્ષેત્રના લુંગતા જોર વિસ્તારથી કિશોરનું અપહરણ કર્યુ અને બચીને ભાગવામાં સફળ રહ્યા તરોનના મિત્ર જોની યઇયિંગે સ્થાનીય અધિકારીઓને અપહરણ વિશે જાણકારી આપી હતી. તપીર ગાઓએ દાવો કર્યો હતો કે આ ઘટના તે જગ્યા પાસે થઈ જ્યાંથી ત્સાંગપો નદી અરૂણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. ૨૦ જાન્યુઆરીએ ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચીનની સેનાનો હોટલાઇન પર સંપર્ક કરવામાં આવ્યો છે. ભારતીય સેનાએ પીપલ્સ લિબરેશન આર્મીને કહ્યું છે કે શિકાર અને જડીબુટ્ટીઓની શોધમાં ગયેલો ૧૭ વર્ષનો મીરામ તારોન પોતાનો રસ્તો ખોઈ બેઠો છે અને મળી રહ્યો નથી. પીપલ્સ લિબરેશન આર્મીને ટીનેજરને શોધી કાઢવા અને પ્રોટોકોલ મુજબ તેને ભારત પરત મોકલવા વિનંતી કરવામાં આવી છે. તે જ સમયે, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે જંગનાન (ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ અથવા જંગનાન કહે છે) ચીનના ઝિયાંગ ક્ષેત્રનો ભાગ છે. ચીને હંમેશા જંગનાન પર ભારતના ગેરકાયદેસર અતિક્રમણનો વિરોધ કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મી કાયદા અનુસાર સરહદને નિયંત્રિત કરે છે અને ગેરકાયદેસર સરહદ પ્રવેશ અને બહાર નીકળવા પર કડક કાર્યવાહી કરે છે.