મેસેજ મુદ્દે ઠપકો દેવા ગયેલી મહિલા સહિત 4 વ્યક્તિઓ પર હથિયારોના ઘા ઝીંકી હુમલો કરાયો
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક યુવતીને મોબાઈલમાં મેસેજ કરવા મુદ્દે મારામારી થઈ હતી. યુવતીને મોબાઈલમાં મેસેજ કરવા મુદ્દે ઠપકો દેવા ગયેલી એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ પર ચાર શખ્સોએ છરી વડે જીવલેણ હૂમલો કર્યો હતો. જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં એક યુવાનની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા નારી રોડ સ્થિત રામદેવનગરમા રહેતી રમા રમણીક મકવાણા તેની પડોશમાં રહેતા શખ્સો પરીવારની યુવતીને મોબાઈલમાં મેસેજ કરતાં હોય જે સંદર્ભે ઠપકો દેવા ગયા હતા. ત્યારે ઉશ્કેરાયેલા શંકર હરજી મેર, ભોલુ મેર, મહેશ મકવાણા અને જયપાલ રણછોડ મેરે એકસંપ રચી રમા રમણીક મકવાણા, કિશન જગદીશ મકવાણા, જીજ્ઞેશ મુકેશ મકવાણા, તથા તુષાર જગદીશ મકવાણા પર હથિયારોના ઘા ઝીંકીં હુમલો કર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટ્યા હતાં. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલાઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં કિશન જગદીશ મકવાણાની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે રમાબેને શંકર, ભોલુ, મહેશ તથા જયપાલ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.