શહેરના પાનવાડી વિસ્તારમાં લીંમડી ચોક વિસ્તારમાં શનિવારે રાત્રિના સમયે પાલિતાણાથી લગ્નમાં આવેલ ૨૨ વર્ષીય યુવાન પર સ્થાનિક શખ્સોએ નજીવી બાબતે હુમલો કરી તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી મોત નિપજાવ્યું હતું. જે અંગે દાખલ થયેલ પોલીસ ફરિયાદના અંતે એ ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં કુખ્યાત શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ લીંમડી ચોક નજીક મેલડીમાતાના મંદિર પાસે રહેતા એક પરિવારના આંગણે લગ્નોત્સવનો રૂડો અવસર હોય જ્યાં પાલિતાણાથી વિરેન નીતિન ચૌહાણ, સુરજ નીતીન ચૌહાણ સહિતના યુવાનો લગ્ન પ્રસંગે આવ્યા હતાં જેમાં રાત્રે ડીજે, રાસ-ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરી સુરજ નીતીન ચૌહાણ, તેનો ભાઇ વિરેન તથા અન્ય યુવાનો ઘર પાસે બેઠા હોય તે દરમિયાન આ વિસ્તારમાં રહેતો નિકુંજ નટુ કામ્બડ, અજય ઉર્ફે અજુ મારવાડી, હિતેશ દામજી સહિત બે અજાણ્યા શખ્સોએ સુરજ સાથે બોલાચાલી કરી અહીં કેમ બેઠો છે તેમ જણાવી એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ થોડીવાર પછી આ ચારેય શખ્સો તિક્ષ્ણ હથિયારો ધારણ કરી ફરી યુવાન પાસે આવ્યા હતા અને સુરજ પર તુટી પડ્યા હતાં. જેમાં ગંભીર ઇજા સાથે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. આ અંગે વિરેન નીતીન ચૌહાણે ચાર સહિત બે અજાણ્યા શખ્સો મળી કુલ છ હત્યારાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ગણતરીની કલાકોમાં નિકુંજ નટુ કામ્બડ, પાર્થ નટુ કામ્બડ, અજય ઉર્ફે અજુ મારવાડી અને હિતેશ દામજીને ઝડપી લીધા હતાં અને છયે આરોપી વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જીપીએક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કોવિડ ગાઇડલાઇન આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ શખ્સોના કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવનાર હોવાનું પોલીસે જણાવ્યું હતું.