૭૦૦થી વધુ રસ્તાઓ પ્રભાવિત, માર્ગ, રેલ અને હવાઈ માર્ગો ખોરવાઈ જવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળોએ અટવાઈ પડ્યા
શિમલા,તા.૨૪
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનાં કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શનિવાર સાંજ અને રવિવારે દિવસભર ભારે હિમવર્ષાનાં કારણે રાજ્યની લાઈફલાઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. માર્ગ, રેલ અને હવાઈ માર્ગો ખોરવાઈ જવાને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળોએ અટવાઈ પડ્યા છે.અહી હોટલમાં બધા સુરક્ષિત છે પરંતુ તેમની મુશ્કેલીઓ ચોક્કસ વધી ગઈ છે. રવિવાર સાંજ સુધી, ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો મનાલી-કેલોંગ-લેહ, અની-જાલોરી દર્રા-કુલ્લ, શિમલા-રામપુર અને સિરમૌર અને ૭૩૧ રસ્તાઓ પરની અવરજવર સંપૂર્ણપણે ઠપ રહી હતી. આ હિમ વર્ષાથી ૫૫૦ માર્ગો પ્રભાવિત થયા છે. ભારે હિમવર્ષાનાં કારણે શિમલા, મંડી, ચંબા, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ, સિરમૌર અને કિન્નૌર જિલ્લા મુખ્યાલયનો ઘણા વિસ્તારોમાંથી સંપર્ક કપાઈ ગયો છે. એએસપી કાંગડા પુનીત રઘુએ માહિતી આપી હતી કે, ૪ છોકરાઓ ટ્રેકિંગ માટે ગયા હતા અને મોડી સાંજ સુધી પરત આવ્યા ન હોતા. આ અંગેની માહિતી મળતાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં તપાસ તેજ કરવામાં આવી હતી, ત્યારબાદ બીજા દિવસે એટલે કે રવિવારે બે છોકરાઓનાં મૃતદેહ મળી આવ્યા હતા અને અન્ય બે છોકરાઓની હાલત ગંભીર જોવા મળી હતી, કારણ કે ઊંચા સ્થાનેથી ખાડામાં પડી જવાથી તેમને ઘણી ઈજાઓ થઈ હતી. જો કે બંનેની હાલત સ્થિર છે અને હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. કાંગડાનાં ડીસી નિપુન જિંદલે જણાવ્યું કે, સ્લેટ ગોડાઉન પાસે શનિવાર રાતથી ૧૬, ૧૭ અને ૧૮ વર્ષની વયનાં ૪ છોકરાઓ ગુમ હોવાનું કહેવાય છે. સર્ચ અને રેસ્ક્યુ ટીમોએ ગુમ થયેલા યુવાનોને શોધી કાઢ્યા છે, પરંતુ પ્રદેશમાં સતત હિમવર્ષાનાં કારણે તેમને બહાર કાઢવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. હિમાચલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, રાજ્યમાં ૧૦૨ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. આ સાથે ૧૩૬૫ વીજ પુરવઠા યોજનાઓ પણ પ્રભાવિત થઈ છે. છેલ્લા ત્રણ દિવસથી દેશનાં મોટા ભાગોમાં હવામાનની પેટર્ન બગડી છે. કડકડતી શિયાળાની વચ્ચે વાદળોએ ધામા નાખ્યા છે અને અમુક જગ્યાએ સતત હળવો વરસાદ વરસી રહ્યો છે. વરસાદની સાથે સાથે ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ પણ છે. હિમાચલ-ઉત્તરાખંડથી લઈને દિલ્હી, યુપી, એમપી, બિહાર અને બંગાળ સુધી આવુ જ વાતાવરણ છે. શિયાળાની ઋતુમાં પડી રહેલા વરસાદને કારણે ધ્રુજારી વધી છે.