રાષ્ટ્રીય મતદાતા દિવસ, ભાવનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી

403

લોકશાહીની ભેટ એવાં અમૂલ્ય મતદાનનો અવશ્ય ઉપયોગ કરી લોકશાહીને જીવંત રાખીએ- કલેક્ટર યોગેશ નિરગુડે
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગૂડેની અધ્યક્ષતામાં 12માં રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટરએ રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, લોકશાહીમાં આપણને ઉપલબ્ધ થયેલાં અમૂલ્ય એવાં મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને જીવંત રાખવી જરૂરી છે. જિલ્લામાં મતદાનપાત્ર લોકોની નોંધણી માટે રવિવારના દિવસોએ પણ ઝૂંબેશરૂપે કાર્ય કરીને જિલ્લામાં અનેક નવાં યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. સુદ્રઢ લોકશાહી માટે જાગૃત મતદાતા જરૂરી છે ત્યારે જિલ્લામાં મતપાત્ર તમામ વયજૂથના લોકોને ઓળખી તેમના ઘરે, કોલેજ પર તેમજ ઔદ્યોગિક વિસ્તાર હોય મતપાત્ર મતદાતા ત્યાં હોય ત્યાં જઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે.
કલેક્ટરએ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલાં અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રાંત અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, નાયબ મામલતદાર, બી.એલ.ઓ. તેમજ સેક્ટર ઓફિસરોની કામગીરીને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવશે તેની જાહેરાત કરી હતી. આવાં કર્મચારીઓના ખંતને જોઇને અન્ય કર્મચારીઓને પણ પ્રેરણાં મળતી હોય છે તેમ જણાવી તેમણે સુગમ, સમાવેશી અને સહભાગીની થીમ પર યોજાઇ રહેલાં 12 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી.

ચૂંટણીમાં એકએક વોટ અગત્યનો હોય છે. ત્યારે જાગૃત નાગરિક તરીકે બાકી રહેલાં નાગરિકો પણ પોતાનું નામ મતદાર યાદીમાં ચેક કરી લે અને જો ન નોંધાયું હોય તો સત્વરે નોંધાવી દે તે માટેની અપીલ પણ તેમણે કરી હતી. આ માટેની નોંધણી એપ દ્વારા પણ કરી શકાય છે તે અંગેની જાગૃતિ લાવવાં માટે તેમણે તંત્રવાહકોને અનુરોધ કરતાં કહ્યું કે, 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવા નાગરિકો મતદાર યાદીમાં નોંધણી કરાવી મતદાન માટે લાયક બની લોકશાહીને મજબૂત અને સુદ્રઢ બનાવવી એ આપણી ફરજ છે. આ પ્રસંગે લાભાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ તથા સબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વર્ચ્યુઅલ માધ્યમ થકી જોડાયાં હતા. આ અવસરે ઉપસ્થિત અધિકારીઓ અને વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલાં કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે મદદનીશ કલેક્ટર પુષ્પલત્તા, પ્રોબેશનર કલેક્ટર જયંત માનકલે, નિવાસી અધિક કલેક્ટર બી.જે.પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ડી.એમ. ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કટારા સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગણતંત્ર દિવસની પરેડને લઇને ગાઇડલાઇન, પરેડમાં ફૂલ્લી વેક્સિનેટેડ લોકો જ આવી શકશે
Next articleફિંગપ્રિન્ટના આધારે 7 મહિના બાદ લાપત્તા માતા મળી આવ્યા, આધારકાર્ડ બન્યું ‘આધાર’