ફિંગપ્રિન્ટના આધારે 7 મહિના બાદ લાપત્તા માતા મળી આવ્યા, આધારકાર્ડ બન્યું ‘આધાર’

137

માતા-પુત્રનું મિલન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા વિકાસગૃહે માતા-પુત્રના ભાડાં સહિતની સવલત કરી આપી
સાત માસ પૂર્વે બિહારમાં આવેલાં જમુઈ ગામે પોતાના પિયર જવાના બદલે આસનસોલ ટ્રેનમાં બેસી ભુલથી ભાવનગર આવી ગયેલાં મહિલાને શહેરની તાપીબાઈ વિકાસગૃહે સતત સાત માસ સુધી આશરો અને રોટલો આપી તેમના ફિંગરપ્રિન્ટના આધારે આધાર કાર્ડમાંથી વિગત મેળવી આજે મહિલાનું તેમના પુત્ર સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ભાવુક અને લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગત એવી છે કે, ભાવનગર આવતી આસનસોલ ટ્રેનમાંથી ગત તા.20 જુન 2021ના રોજ રેલવે પોલીસને એક અજાણી મહિલા મળી આવ્યા હતા. જે સ્થાનિક ભાષાથી અજાણ હોવા સાથે નિરઆશ્રિત હોવાનું માલુમ પડતાં તેમને ભાવનગર શહેરના વિદ્યાનગર સ્થિત તાપીબાઈ વિકાસગૃહ ખાતે મોક્લી આપવામાં આવ્યા હતા. જયાં વિકાસગૃહના ટ્રસ્ટીઓ દ્વારા મહિલાની કોવિડ સહિતની તબીબી તપાસ કરી આશરો આપ્યો હતો. જો કે, મહિલાની ભાષા સ્થાનિક કક્ષાએથી સમજાઈ તેવી ન હોય અને સામાપક્ષે મહિલા ગુજરાતી કે અન્ય ભાષા સમજી શકતા ન હોવાથી ટ્રસ્ટીઓને તેના વાલી વારસા,પરિવારની વિગત મેળવવામાં ભારે તકલીફ પડી હતી.

દરમિયાનમાં ગત તા.31 ઓગસ્ટ 2021 ના રોજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સંસ્થાની મુલાકાતે આવતાં તેમણે ભાજપના ભાષા ભાષી સેલના અક્ષય માથુર સહિતના સભ્યોને સાથે રાખીને આ મહિલાની ભાષા સમજવા તજવીજ હાથ ધરી હતી. આ તરફ ભાવનગર પોલીસની મદદથી ટ્રસ્ટીઓએ મહિલાની ફિંગર પ્રિન્ટના આધારે આધારકાર્ડની વિગત મેળવવા પ્રયાસ કર્યો હતો. તપાસમાં એવી હકીક્ત સામે આવી કે ઝારખંડના ગીરીદીહ વિસ્તારમાં રહેતા કમલીદેવી પોતાના પતિના અવસાન બાદ બિહારના જમુઈમાં ખાતે આવેલાં પિયર જવા નિકળ્યા હતા. પરંતુ ભુલથી મનની પરિસ્થિતીની સંવેદશીલ હોય આસનસોલ ટ્રેનમાં બેસી જતાં ભાવનગર આવી ગયાનું ખુલ્યું હતું. જેના આધારે મહિલાના પરિવારનો સંપર્ક ત્યાં ની સામાજિક સંસ્થા મારફત કરાયો હતો. જયાં સાત માસથી લાપતા માતાનો પતતો મળ્યાની જાણ થતાં જ તેમના દિવ્યાંગ પુત્ર ગુડુકમારની આંખો હર્ષના આસુંથી છલકાઈ ગઈ હતી. ભાવનગર એસ.પી ને તાપીબાઇ વિકાસગૃહ દ્વારા આ કમલીદેવીને તેણીના ધરે ઝારખંડ સુધી પહોંચાડવા માટે મદદ માંગતા ભાવનગર પોલીસ દ્વારા મહિલા પોલીસ સાથે તેણીને તેના વતન પહોંચાડવા તૈયારી દર્શાવી હતી, તેવામાં ઝારખંડની તે સામાજિક સંસ્થાના માધ્યમ થી અને તે સંસ્થા સાથે સતત સંપર્ક માં રહી અને તેમના પરિવાર અને કમલીદેવીના પુત્ર સાથે વીડિયો કોલથી તેની માતા સાથે વાત કરાવતા પોતાની માતા ની સારી દેખભાળ અને તંદુરસ્તી જાણી પોતાની માતા ને રુબરુ લેવા આવવા ઈછા જણાવતા પરંતુ તેની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવતા તાપીબાઈ વિકાસ ગૃહ ના ટ્રસ્ટી ગીતાબેન ગિરીશભાઇ વાઘાણી એ તેમની તથા તેમની માતાના આવવા જવાના ખર્ચ તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા આપવા નું જણાવતા અંદાજે સાત માસ બાદ આજે તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે કમલિદેવીના પુત્ર ગુડુકમાર આવતાં માતા-પુત્ર વચ્ચે મિલન ના ભાવુક અને લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. આ તકે, ગુડુકમારે તેમની માતાની દેખભાળ રાખવા બદલ વિકાસગૃહના તમામ ટ્રસ્ટીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા સંસ્થાના સમગ્ર ટ્રસ્ટી ગણ વતી ટ્રસ્ટી ડો.ગિરીશભાઇ વાધાણી, ગૃહમાતા સ્મિતાબેન, કાજલબેન તથા સંસ્થાની અન્ય દીકરીઓ અને સમગ્ર કર્મચારીઓએ માતા પુત્ર ને રસ્તા માં કોઈ તકલીફ ન પડે તે માટે સાથે પૂરતો સૂકો નાસ્તો વિગેરે સાથે સજળ આંખે તેમના સ્વ ગૃહે જવા રવાના કર્યા હતા અને આ ઈશ્વરીય કાર્ય માં નિમિત્ત બનવા માટે ભગવાનનો આભાર માન્યો હતો. તાપીબાઈ વિકાસગૃહના ટ્રસ્ટી ગીતાબેન ગીરીશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વિકાસગૃહે માતા-પુત્રના ભાડૂ સહિતની સવલત કરી આપી છે, સાત માસથી વિકાસગૃહમાં રહેતા મહિલાની ઓળખ અંગે ધીમે ધીમે વિગત મળ્યા બાદ મહિલા ઝારખંડના અંતરિયાળ વિસ્તારના હોવાનું અને અત્યંત દારૂણ સ્થિતિમાં રહેતા પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. તેમનો પુત્ર માતાને લેવા તેમના વતનથી અહીં આવી શકે તેમ ન હોવાથી પુત્રને ત્યાંથી અહીં આવવાનું મુસાફરી ભાડું તથા બન્નેનું ત્યાં જવા પહોંચવા સહિતની સવલત વિકાસગૃહ સંસ્થાએ કરી આપી છે.

Previous articleરાષ્ટ્રીય મતદાતા દિવસ, ભાવનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી ઉજવણી કરવામાં આવી
Next articleઆજે ભાવનગરમાં ૩૧૫ નવા કોરોનાના કેસ નોંધાયા, ૪૯૧ કોરોનાને માત આપી, જ્યારે ગ્રામ્યમાં ૧નું મોત