રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સંયુક્ત ઉપક્રમે ૭૩ મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી હિતેષભાઈ દવે (એ.જી.એમ.) એસ.બી.આઈ ટ્રેનીંગ સેન્ટર ભાવનગરના વરદહસ્તે ધ્વજારોહણ કરી કરવામાં આવી હતી. જેમાં શાળાનાં બાળકોએ દેશભક્તિ ગીતો રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે વિવિધ સ્પર્શશક્તિ આધારિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એ.જી.એમ હિતેષભાઈ દવે અને વિપુલભાઈ પરીખનાં વરદહસ્તે વિજેતા સ્પર્ધકોને પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત એન.એ.બી.ભાવનગર નાં ટ્રસ્ટી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું. આ પ્રસંગે આઝાદીની સ્મૃતિઓ વાગોળી હિતેષભાઈ દવેએ શાળાની પ્રવૃતિઓને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ દેશને સમૃદ્ધ બનાવવા નાગરિકોને જાગૃત બની ૧૦૦ ટકા મતદાન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે શાળાની પ્રવૃત્તિ વિષે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળામાંથી શિક્ષણ લઇ ૭૫ થી વધુ પ્રજ્ઞાચક્ષુઓ જુદીજુદી પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે કેટલાંક વિદ્યાર્થીઓ રેલ્વે, બેંક અને પોસ્ટ ઓફીસમાં પણ પોતાની ફરજ બજાવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં શિક્ષણ મંત્રી દ્વારા શૈક્ષણિક જગ્યાઓમાં ૩% ને બદલે હવે વિકલાંગ ઉમેદવારો માટે ૪ % અનામત રાખવામાં આવશે તેવી થયેલ જાહેરાતને આવકારી સંગીત શિક્ષકોની ભરતી કરવા સરકારને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી જીતુભાઈ ઉપાધ્યાય અને સંસ્થાનાં કર્મવીરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીતાબેન રેયાએ કર્યું હતું જયારે આભારદર્શન શાળાના શિક્ષક કીર્તિભાઈ ઈટાળીયાએ કર્યું હતું.