વરતેજ તાબેના નેસવડ ગામે ઘરકંકાસના કારણે 3 વર્ષના માસૂમ સાળાની હત્યા કરનારા બનેવીને આજીવન કેદ

509

માસૂમને છરીથી પેટના ભાગે 8 ઘા તથા ડાબા પડખાના ભાગે 2 ઘા મારી આરોપીએ હત્યા કરી હતી
વરતેજ તાબાના નેસવડ ગામે ગઈ તા.8/7/20ના રોજ પતિ અને પત્ની વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થયો હતો. તેની દાઝ રાખી આરોપીએ પોતાના 3 વર્ષના માસુમ સાળાનું કાંસળ કાઢી નાખ્યું હતું. આ મામલે આરોપી બનેવીને કોર્ટે આજીવન કેદ અને 50 હજાર રૂપીયાનો દંડ ફટકાર્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈ તા.8/7/20 ના રોજ ફરીયાદી શિવનાથરામ વુધનરામ ચામાર ઉ.વ.45 ૨હે.નેસવડ, જી.આઈ.ડી.સી. વિસ્તાર, તા. ઘોઘા મુળ ગામ મીઠેપુર, થાના, ગરખાસારણ જી.છપરા બિહારનાઓએ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવી હતી કે, તેઓ તથા તેની દિકરી પીન્કીદેવી તથા તેના આરોપી પતિ રામપ્રસાદદાસ સાથે નેસવડ ગામે રહે છે. ફરીયાદીની દિકરી પીન્કીદેવી સાથે આરોપી રામપ્રસાદદાસ ઘરકામ તથા રસોઈ બનાવવા બાબતે ખોટી રીતે અવારનવાર ઝગડા કરતો હોય તે બાબતે ફરીયાદી તથા ફરીયાદીના પત્ની આશાદેવી તેના જમાઈ આરોપી રામપ્રસાદદાસને ઠપકો આપતા હોય જેની દાઝ રાખી ફરીયાદીના દિકરા શિવમ ઉ.વ.3 ને ફરીયાદીના જમાઈ રામપ્રસાદદાસ લલનદાસ ચમાર બનાવના દિવસે નેસવડ–ઉખરલા ગામના રસ્તે રોડ નજીક આવેલા પાણીના નેરાના ભાગે પોતાની સાથે લઈ ગયો હતો. જે બાદ ગુસ્સો અને દાઝ રાખી શિવમને તેની છરીથી પેટના ભાગે 8 ઘા તથા ડાબા પડખાના ભાગે 2 ઘા મારી હત્યા કરી હતી. આ ઉપરોકત બનાવ અંગે જે તે સમયે વરતેજ પોલીસ મથકમાં ફરીયાદી શિવનાથરામએ જે તે સમયે ઉકત આરોપી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ઈ.પી.કો.ક. 302 અને જી.પી.એકટની કલમ- 135 સહીતનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતાં અદાલતે જિલ્લા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની ધારદાર અસરકારક દલીલો, 36 જેટલા દસ્તાવેજી આધાર-પુરાવાઓ, 8 જેટલા સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી રામપ્રસાદદાસ લલનદાસ ચમાર રહે. નેસવડવાળાને ઈ.પી.કો. કલમ- 302 અને જી.પી.એકટની કલમ- 135 મુજબના ગુના સબબ આરોપીને આજીવન કેદની સજા અને અને 50 હજાર દંડ અદાલતે ફટકાર્યો હતો અને આ દંડની રકમમાંથી 50 હજાર મૃતક શિવમના પિતા ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને અનુલક્ષીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ કોવીડ-19 ની એસ.ઓ.પી. મુજબ આરોપીને તેમજ બંને પક્ષના વકીલોને ઝુમ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન સાંભળી અને ઓનલાઈન જ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.ૉ

Previous articleશ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં ૭૩ મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
Next articleગંભીર બેદરકારી , ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર બહાર રેપીડ ટેસ્ટની કીટનો જથ્થો ખુલ્લામાં રઝળતો જોવા મળ્યો