ગંભીર બેદરકારી , ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર બહાર રેપીડ ટેસ્ટની કીટનો જથ્થો ખુલ્લામાં રઝળતો જોવા મળ્યો

104

રેપીડ ટેસ્ટ વાપરી સલામત રીતે નિકાલ-નાશ કરવાને બદલે રોડપર ખુલ્લામાં ફેંકી દેવામાં આવી
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી રેપીડ ટેસ્ટ વાપરી સલામત રીતે નિકાલ-નાશ કરવાને બદલે રોડપર ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે. જેનો વીડિયો પણ જાગૃત નાગરીકે બનાવ્યો હતો. ત્યારે આ પ્રમાણે ખુલ્લામાં રેપીડ ટેસ્ટની કીટ જોવા મળતા ભારે ચકચાર મચી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં કોરોના મહામારીની ત્રીજી લહેર અકબંધ છે. ત્યારે આ મહામારીથી લોકો કેવી રીતે મુક્ત રહે અને વધતું જતું સંક્રમણ અટકાવવાનું કામ પહેલા તંત્રની જવાબદારી બને છે, પરંતુ તંત્ર જ આવી ગંભીર અને ઘાતક બેદરકારી દાખવે ત્યારે ફરિયાદ કયાં કરવાની…? શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરકારી આરોગ્ય વિભાગ દ્વારા ફાળવવામાં આવતી કોવિડ ટેસ્ટ માટેની રેપીડ ટેસ્ટની વપરાશ કરેલી કિટ-મેડિકલ વેસ્ટનો જથ્થો રોડપર ફેંકી દેવામાં આવતા કોઈ જાગૃત નાગરિકે રોડપર પડેલી જોખમી કિટનો વીડિયો ઉતારી વાઈરલ કર્યો છે. આ ગંભીર બેદરકારી સંદર્ભે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી રમેશ સિન્હાનો ટેલીફોનીક સંપર્ક કરવા વારંવાર પ્રયત્નો કર્યો હતો. જોકે, તેમ છતાં આરોગ્ય અધિકારીએ ફોન રીસીવ કરવાની તસ્દી લીધી ન હતી. ત્યારે આ બાબત ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે કે પછી અજાણતાં પણ સમગ્ર મુદ્દો અતિ ગંભીર છે ત્યારે આ મુદ્દે સંડોવાયેલા કર્મચારીઓને છાવરવાના બદલે તત્કાળ પગલાં લેવા જોઈએ તેમ લોકો જણાવી રહ્યાં છે.

Previous articleવરતેજ તાબેના નેસવડ ગામે ઘરકંકાસના કારણે 3 વર્ષના માસૂમ સાળાની હત્યા કરનારા બનેવીને આજીવન કેદ
Next articleકોરોનાકાળમાં માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદર ઘટાડવા માટે ભાવનગરની 108ની સેવા અગ્રેસર