દરેક રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા સ્કાઉટ-ગાઇડને રોટરી કલબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘ અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષની માફક તા.26 જાન્યુઆરીના રોજ 73માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી વિસરાતી દેશી રમતો રમી કરવામાં આવી હતી.
દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે સવારે 10 થી બપોરના 1 સુધી સ્કાઉટ-ગાઇડ, કબ-બુલબુલ, રોવર-રેન્જર લીંબુ ચમચી, કોથળા દોડ, દોરડા કુદ, સંગીત ખુરશી જેવી રમતો રમાડવામાં આવી હતી અને સંઘ ભાવના, નિડરતા, આત્મવિશ્વાસ, મિત્રભાવ, જતુ કરવાની ભાવના અને રાષ્ટ્રપ્રેમ જેવા ગુણોનો વિકાસ કરશે. રમત મહોત્સવની શરૂઆત સ્કાઉટ-ગાઇડ પ્રાર્થનાથી કરી હતી, ઉપસ્થિત મહાનુભાવો અને સ્કાઉટ-ગાઇડ દ્વારા ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.
વંદે માતરમ ગાન, ઝંડા ગીત (વિજયી વિશ્વ તિરંગા પ્યારા) તેમજ જુદા જુદા નારા અને જયઘોષ કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહેમાનો રમત મહોત્સવને ખુલ્લો મુક્યો હતો, દરેક રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર સ્કાઉટ-ગાઇડને રોટરી કલબ ભાવનગર રોયલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ભાગ લેનાર તમામ સ્કાઉટ-ગાઇડને પ્રમાણપત્ર અને અલ્પાહાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત, આઝાદ હિન્દ-જીંદાબાદ, કોમી નારા- વંદે માતરમ અને ભારત માતાની જયના નાદથી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો, કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મંત્રી અજય ભટ્ટના માર્ગદર્શનમાં સીનીયર સ્કાઉટ જહેમત ઉઠાવી હતી.