નવી દિલ્હી, તા.૨૭
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાની આઈસીસી વુમન્સ ક્રિકેટ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ છે. સ્મૃતિ પોતાની કરિયરમાં બીજી વખત વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી પામી છે. અગાઉ ૨૦૧૮માં પણ તેને આ સન્માન મળ્યું હતું. પુરૂષ કેટેગરીની વાત કરીએ તો આ વર્ષે કોઈ ભારતીય ખેલાડી કોઈ ફોર્મેટમાં પુરસ્કાર નથી મેળવી શક્યો. ભારતનો કોઈ ખેલાડી વનડે અને ટી૨૦ ટીમમાં જગ્યા પણ નથી બનાવી શક્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનરે ગત વર્ષે ૨૨ આંતરરાષ્ટ્રીય મુકાબલામાં ૩૮.૮૬ની સરેરાશથી ૮૫૫ રન બનાવ્યા હતા. ગત વર્ષે તેણે એક સેન્ચ્યુરી અને એક હાફ સેન્ચ્યુરી પણ ફટકારી હતી. ભારતીય ટીમ માટે પાછલું વર્ષ ભલે ખરાબ રહ્યું હોય પરંતુ સ્મૃતિના બેટની ગૂંજ ચારેબાજુ સંભળાઈ હતી.
દક્ષિણ આફ્રિકા સામે સીમિત ઓવર્સની સીરિઝમાં જ્યાં ભારતે ઘરમાં ૮ મેચમાંથી માત્ર ૨માં વિજય મેળવ્યો હતો. મંધાનાએ તે બંને મુકાબલાઓમાં ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
બીજી વનડેમાં તેણે નોટઆઉટ ૮૦ રન બનાવ્યા હતા. તે મેચમાં ભારતે ૧૫૮ રનનો પીછો કરીને વિજય નોંધાવ્યો હતો અને વિજય સાથે જ સીરિઝ બરાબર કરી હતી. જ્યારે ફાઈનલ ટી૨૦માં તેણે ૪૮ નોટઆઉટ રન સાથે ટીમને વિજય અપાવ્યો હતો.