કોવિશિલ્ડ-કોવેક્સિન ખુલ્લા બજારમાં વેચવાની મંજૂરી મળી

65

કોરોના સામેની લડાઈમાં વેક્સિન મોટું હથિયાર સાબિત થયું : ઓપન માર્કેટમાં આવ્યા બાદ સ્વદેશી કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્નેની કિંમત ૨૭૫ રૂપિયા પ્રતિ ડોઝ અને ૧૫૦ રુપિયા વધારાના સર્વિસ ચાર્જ
નવી દિલ્હી, તા.૨૭
કોરોના વાયરસ મહામારી સામેની લડાઈમાં કોવિડ વેક્સિનની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક રહી છે. ભારતના દવા નિયામક (ડીસીજીઆઈ)એ કોવિશીલ્ડ અને કોવેક્સિનને બજારમાં વેચાણ માટેની મંજૂરી આપી દીધી છે. તેનો અર્થ એ નથી કે, કોરોના વેક્સિન જલ્દી જ દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે, પરંતુ વેક્સિનને હોસ્પિટલ અને ક્લિનીક પરથી ખરીદીને ત્યાં જ લગાવડાવી શકાશે. જાણવા મળ્યા મુજબ આ બંને વેક્સિન દુકાનો પર નહીં મળે. પ્રાઈવેટ હોસ્પિટલ્સ અને ક્લિનીક પરથી વેક્સિન ખરીદી શકાશે અને ત્યાં જ લગાવડાવવામાં આવશે. નવા ડ્રગ્સ એન્ડ ક્લિનીકલ ટ્રાયલ રૂલ. ૨૦૧૯ અંતર્ગત આ મંજૂરી આપવામાં આવી છે. શરતો અંતર્ગત ફર્મોએ જે ક્લિનીકલ પરીક્ષણો થાય તેના ડેટા પ્રસ્તુત કરવા પડશે. વેક્સિનેશન બાદ થનારા પ્રતિકૂળ પ્રભાવો પર નજર રાખવામાં આવશે. ઈમરજન્સી યુઝ ઓથરાઈઝેશનમાં ૧૫ દિવસમાં સેફ્ટી ડેટા ડીસીજીઆઈને પહોંચાડવાના હોય છે. હવે કન્ડિશનલ માર્કેટ અપ્રૂવલમાં ૬ મહિના કે તેનાથી વધારે સમયમાં ડેટા નિયામકને સબમિટ કરાવવો પડશે. આ સાથે જ કોવિન (કોવિન) પર તેની જાણકારી પણ આપવી પડશે. અગાઉ અમેરિકામાં ફાઈઝર અને બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાને કંડીશનલ માર્કેટ અપ્રૂવલ આપવામાં આવેલી છે. સીડીએસસીઓની કોવિડ-૧૯ સંબંધી વિષય વિશેષજ્ઞ સમિતિએ ૧૯ જાન્યુઆરીના રોજ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાને કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને કેટલીક શરતો સાથે નિયમિત માર્કેટિંગ મંજૂરી પ્રદાન કરવા ભલામણ કરી હતી. ત્યાર બાદ ડીસીજીઆઈ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. કોરોના મહામારી સામેની લડાઈમાં રસીકરણ સૌથી મોટુ હથિયાર સાબિત થયું છે. દેશમાં એક વર્ષ પહેલા ૧૬ જાન્યુઆરીએ મહાઅભિયાનની શરૂઆત થઈ હતી. દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) અને દેશના બે રસી ઉત્પાદકો ભારત બાયોટેકે હવે ખુલ્લા બજારમાં તેમની રસી શરૂ કરવા માટે સરકાર પાસે મંજૂરી માગી છે. સૂત્રોના જણાવ્યાનુસાર એક વાર ઓપન માર્કેટમાં આવ્યા બાદ સ્વદેશી કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્નેની કિંમત ૨૭૫ રૂપિયા પ્રતિ ડોઝ અને ૧૫૦ રુપિયા વધારાના સર્વિસ ચાર્જ હશે. બંને રસીને ટૂંક સમયમાં જ બજારમાં લોન્ચ કરવામાં આવશે તે ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મળવાની અપેક્ષા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)ને રસીને સસ્તી બનાવવા માટે પ્રાઇસ કેપ રાખવાની દિશામાં કામ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી, કોવેક્સિનની કિંમત ૧૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝ છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત ૭૮૦ રૂપિયા છે. કિંમતોમાં ૧૫૦ રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ શામેલ છે. હાલમાં, બંને રસીઓ ફક્ત દેશમાં જ કટોકટીના ઉપયોગ માટે અધિકૃત છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનની કોવિડ -૧૯ પરની વિષય નિષ્ણાત સમિતિએ ૧૯ જાન્યુઆરીએ ચોક્કસ શરતો સાથે પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે એન્ટિ-કોવિડ રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનને નિયમિત પણે શરૂ કરવાની મંજૂરીની ભલામણ કરી હતી.
એનપીપીએને રસીની કિંમતને દૂર રાખવાની દિશામાં કામ કરવાનું કહેવામાં આવ્યું છે. બન્ને વેક્સિનની કિંમત ૨૭૫ રૂપિયા પ્રતિ ડોઝ અને ૧૫૦ રૂપિયાના વધારાના સર્વિસ ચાર્જ સાથે રાખવાનું કહેવાયું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleછેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૮૬ લાખ નવા કેસ નોંધાયા