દરેકને ત્રીજા ડોઝ નહીં આપવામાં આવે : વૈજ્ઞાનિકોનું માનવું છે કે બીજા દેશો કોરોનાને લઈને શું કરી રહ્યા છે તેનું આપણે આંધળું અનુકરણ ના કરવું જોઈએ
(સં. સ. સે.) નવી દિલ્હી, તા.૨૭
કોરોના વાયરસની ત્રીજી લહેર ભારતમાં ચાલી રહી છે. મેડિકલ સ્ટાફ અને ૬૦ વર્ષથી ઉપરના લોકો માટે બૂસ્ટ ડોઝની શરુઆત કરવામાં આવી છે. જોકે, હવે આ અંગે અન્ય કેટલાક વિચારો પણ સામે આવી રહ્યા છે. સત્તાવાર સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે, સરકાર ટૂંક સમયમાં કોરોનાની રસીના બૂસ્ટ ડોઝ અંગે ફરી વિચાર કરી શકે છે, કારણ કે વૈજ્ઞાનિક એક્સપર્ટનું માનવું છે કે ત્રીજા ડોઝનો લાભ અન્ય ઉંમરના સમૂહને નહીં થાય. એક સિનિયર અધિકારીએ વાતચીતમાં જણાવ્યું કે, પ્રિકૉશન ડોઝ હેલ્થકેર વર્કર્સ અને જેમની ઉંમર ૬૦ વર્ષથી વધુ છે અને તેઓ અન્ય ગંભીર બીમારીથી પીડાય છે તેમને આપવાનું યથાવત રાખવામાં આવશે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બૂસ્ટર ડોઝ અંગે ફરી વિચારણા કરવામાં આવશે. આ પોલિસી અંગે વિચારવું પડશે. બૂસ્ટર ડોઝ દ્વારા કેસને રોકવામાં કોઈ દેશમાં સફળતા મળી નથી. આ સિવાય બીજ દેશ શું કરી રહ્યા છે તેનું આપણે આંધળું અનુકરણ ના કરી શકીએ. આપણે આપણા પોતાના એપિડેમિયોલોજી અને સાયન્સના આધારે મૂલ્યાંકન કરીને નિર્ણય લેવો જોઈએ.