ફરી બે દિવસ કાતિલ કોલ્ડવેવની આગાહી, ગુજરાત ફરી ઠંડીમાં ઠુંઠવાયું

352

હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અને યલો એલર્ટ : ગજરાતીઓની ચિંતામાં વધારો થઈ શકે છે જ્યારે બીજી બાજુ અમદાવાદમાં ૬.૭ ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો
અમદાવાદ,તા.૨૭
સમગ્ર ગુજરાતભરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું તાપમાન ૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અન્ય શહેરોનો પારો ગગડતાં લોકો ઠુંઠવાયા છે. ગાંધીનગરનું તાપમાન ૬.૫ ડિગ્રી નોંધાયું છે. જ્યારે ડીસા અને પાટણનું તાપમાન ૭.૮ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૮ ડિગ્રી અને રાજકોટનું તાપમાન ૮.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. જેના કારણે ગજરાતીઓની ચિંતામાં વધારો થઈ શકે છે. બીજી બાજુ અમદાવાદમાં ૬.૭ ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ફરી બે દિવસ કાતિલ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. આગામી ૨ દિવસ બાદ તાપમાન ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ૨ દિવસ શીતલહેર રહેશે. આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ,કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત્‌ રહેશે અને જેને પગલે ત્યાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર સિવાય ૯ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચું નોંધાયું હતું. રાજ્યભરમાં આગામી બે દિવસ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત્‌ રહેશે અને હવામાન વિભાગ દ્વારા આગામી ૨૮ જાન્યુઆરી સુધી ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગરમાં છેલ્લા ૧૦ વર્ષમાં જાન્યુઆરીમાં અગાઉ ક્યારેય લઘુતમ તાપમાન ૬ ડિગ્રીથી પણ નીચે નોંધાયું નથી. આવી જ સ્થિતિ અમદાવાદમાં હતી. અમદાવાદમાં ૬.૭ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બીજી બાજુ આજે કચ્છમાં ’ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ જાન્યુઆરીમાં જ્યાં ’યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ છેલ્લા ૧૦ વર્ષથી જાન્યુઆરીમાં લઘુતમ તાપમાન ૬ ડિગ્રીથી પણ નીચે ગયું નથી. ૧૦ જાન્યુઆરી ૧૯૫૪ના અમદાવાદમાં ૩.૩ ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો નોંધાયો હતો, જે અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં જાન્યુઆરીમાં ઓલટાઇમ રેકોર્ડ નીચું તાપમાન છે. આજે રાજ્યના ૧૪ શહેરોમાં તાપમાનનો પારો ૧૦ ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં ૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં ૭ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ, ડીસા અને કેશોદમાં ઠંડીનો પારો ૮ ડિગ્રી નોંધાયો હતો.

Previous article૪૦ ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી
Next articleભાવનગરના શિશુવિહાર પટાંગણમાં નેત્રયજ્ઞ યોજાયો, 171 જરૂરિયાતમંદ દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરાઈ